December 24, 2024

ઘરકંકાસમાં પરિવારનો માળો પીંખાયો, બે માસૂમ દીકરીઓ અનાથ બની

મનોજ સોની, દ્વારકા: દ્વારકામાં ઘરકંકાસનો કરૂણ અંજામ આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. સૂરજ કરાડી ટાઉન વિસ્તારમાં આશાપુરા સોસાયટીમાં પત્નીની હત્યા બાદ પતિએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સૂરજ કરાડીમાં આશાપુરા સોસાયટી વિસ્તારમાં રહેતા વલૈયાભા માણેક નામના વ્યક્તિએ પોતાની પત્ની ભાવના બેન માણેકની સાંજના સમયે ઘરકંકાસના કારણે ચપ્પુના ઘા કરી હત્યા નિપજાવી દીધી હતી. બાદમાં પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતી. પત્નીની પતિ દ્વારા હત્યા અને બાદમાં પતિના આપઘાતની વાત વાયુવેગે ફેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સૂરજ કરાડીમાં ઘરકંકાસનો કરૂણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો છે જેમાં વૈલેયાભા માણેક નામના વ્યક્તિએ પોતાની પત્ની ભાવના બેન માણેક સાથે છેલ્લા ચારેક માસથી સતત ઘર કંકાસના કારણે ઝગડાઓ થતાં હતાં. જેમાં, આખરે આશાપુરા સોસાયટીમાં વૈલેયાભા માણેકે પોતાની પત્ની ભાવનાબેનને ચપ્પુના ઘા ઝીંકી તેમની હત્યા કરી. પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ સમગ્ર મામલે મીઠાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસે યુગલના મોત મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ મોત પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું ડી.વાય.એસ.પી એ જણાવ્યું હતું. મૃતક યુગલના બે દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે નાના પરિવારનો ઘરનો માળો વિખેરાયો છે. ઘરકંકાસમાં આખરે બે દીકરીઓ નોધારી બની છે.