ભરૂચની મેડિકલ કોલેજ સાથે 34 લાખથી વધુની ઠગાઇ, કોલેજના કર્મચારીઓએ જ આચરી છેતરપિંડી
જય વ્યાસ, ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ સાથે રૂ.34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓના ફીના નાણા જમા ન કરાવી છેતરપિંડી આચારી હતી.
તબક્કાવાર રૂપિયા 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખીયા મેટરનીટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમ્યાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા અને ઝાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસે ફી લીધી હતી. પરંતુ, તેને કોલેજમાં જમા કરાવવાના બદલે વાગરાના વિલાયત ખાતે રહેતા ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવી હતી. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખીયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી. જો કે, તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરાશે, આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા
આ અંગે તેઓએ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આરોપીઓ વર્ષ 2022થી 2024 દરમ્યાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓને રસીદ પણ આપતા હતા. જો કે, ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત રોકડ રકમમાં પણ ગફલત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઝડપાયેલ બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.