December 23, 2024

ગૃહ મંત્રાલયના બીજા માળે લાગી આગ; ઝેરોક્ષ મશીન, કમ્પ્યુટર-દસ્તાવેજ બળીને ખાખ

Fire In MHA Office: દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયના નોર્થ બ્લોકમાં સ્થિત ગૃહ મંત્રાલય (MHA) કાર્યાલયના બીજા માળે મંગળવારે આગ લાગી હતી. આ માહિતી આપતા ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગને કારણે કોઈ જાનહાનિ થઇ નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સવારે 9.35 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. DFSના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયની ઓફિસના IC ડિવિઝનમાં બીજા માળે સવારે લગભગ 9.20 વાગ્યે આગની જાણ થઈ હતી, ત્યારબાદ ફાયર ફાઈટરોએ 9.35 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી.

એસી યુનિટમાંથી આગ શરૂ થઈ હતી
મિરર નાઉના અહેવાલ મુજબ, આગ એસી યુનિટમાંથી શરૂ થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં એસી, ઝેરોક્સ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોમાં આગ લાગી હતી અને તેને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. અધિકારીએ જણાવ્યું કે આગના સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિલ્ડિંગમાં હાજર ન હતા, પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા.