January 21, 2025

મહિલા ડોકટરની છેલ્લી ઈચ્છા – મૃત્યુ બાદ અંતિમ વિધિ ખાચર જ કરે

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમા ક્રાઈમ બ્રાંચના પરિસરમા મહિલા ડોકટરે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ઈન્સ્પેકટર સાથેના પ્રેમસંબંધમા મનદુખ થતા મહિલા ડોક્ટરે આપઘાત કર્યાની માહિતી મળી છે. મહિલાએ સ્યુસાઈડ નોટ લખીને ઝેરી ઈન્જેકશન લગાવીને ક્રાઈમ બ્રાંચમા જ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આપઘાતને લઈને અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મારી સાથે ગેમ રમાઇ
મહિલા ડોક્ટરે આપઘાત કરતાં પહેલાં સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું કે મારી સાથે ઇમોશનલ ગેમ રમાઇ છે. હું જે અંતિમ પગલું ભરવા જઇ રહી છું તેની પાછળ પીઆઈ ખાચર જવાબદાર છે. વધુમાં લખ્યું કે મારા મૃત્યુ બાદ અંતિમ વિધિ ખાચર જ કરે. આ અંતિમ શબ્દો આપઘાત કરનાર મહિલા ડોકટર વૈશાલી જોષીના છે. મળતી માહિતી મુજબ મહિલા ડોક્ટર આર્થિક ગુના નિવારણ શાખા(EOW)ના પીઆઈ બી કે ખાચરનાં ગ્રાઢ પ્રેમમા હતા, પરંતુ આ પ્રેમ સંબંધમા મનદુખ થતા ડો. વૈશાલી જોષી ક્રાઈમ બ્રાંચમા આવેલી EOWની કચેરી આવ્યા હતા. થોડા સમય બાદ ક્રાઈમ બ્રાંચના પરીસરમા બાંકડા પર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ કરતા મહિલાએ ઝેરી ઈન્જેકશન લગાવીને આપઘાત કર્યો હતો.પોલીસે તપાસ કરતા એક સ્યુસાઈડ નોટ મળી હતી, જેમા આપઘાત પાછળ જવાબદાર પીઆઈ ખાચરને કહયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

સ્યુસાઈડ નોટની સાથે એક ડાયરી પણ કબ્જે કરી
ઇ ડિવિઝનના ઈન્ચાર્જ એસીપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમા સામે આવ્યુ કે પીઆઈ ખાચર અને ડો. વૈશાલી છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધમા હતા. મૃતક વૈશાલી જોષી મૂળ મહિસાગરની રહેવાસી છે. તેમના પરિવારમાં વૃધ્ધ માતા પોતાના વતન રહે છે અને તેમના પિતાનું અવસાન થયું છે, જ્યારે બે બહેનોમા એક વડોદરા અને બીજી બહેન કેનેડા રહે છે. માહિતી અનુસાર વૈશાલી શિવરંજની ખાતે પીજીમા રહેતા હતા અને પાંચ વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા હતા. માહિતી અનુસાર પીઆઈ ખાચર સુરતથી અમદાવાદ બદલી થઈને આવ્યા છે. પીઆઈ ખાચર હાલ આર્થિક ગુના નિવારણ શાખમા ફરજ બજાવે છે. તેઓ પરણિત છે અને એક સંતાનના પિતા છે. તપાસ દરમિયાન પોલીસે સ્યુસાઈડ નોટની સાથે એક ડાયરી પણ કબ્જે કરી છે. જેમા ડોકટર મહિલાએ પોતાના જીવનને લઈને અનેક ખુલાસા કર્યા છે. પીઆઈ ખાચરના પ્રેમમાં પાગલ હોય અને પીઆઈને જ પતિ માન્યો હોય તેમ મહિલાએ પોતાના મોત બાદ અંતિમ વિધી ખાચર કરે તેવી વિનંતી કરી હતી. મહિલાના આપઘાત બાદ પીઆઈ ખાચરનો સંપર્ક થયો નથી.જેથી પોલીસે આ કેસમા હકીકત શું છે તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે…

પોલીસનું કહેવું છે કે આ આપઘાત કેસમા પ્રેમ સંબંધના મનદુ:ખ જ જવાબદાર છે, પરંતુ હજુ સુધી પીઆઈ વિરૂધ્ધ કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બીજી બાજુ પીઆઈ પણ આ ઘટના બાદ ફરાર થઇ ગયા છે. હાલમા ગાયકવાડ હવેલીએ અકસ્માત મોત નોંધીને મહિલાના પરિવાર, મિત્રો અને સગાસંબંધીના નિવેદન લેવાનુ શરૂ કર્યુ છે. આ ઉપરાંત આપઘાત માટે કયુ ઈન્જેક્સન વાપરવામા આવ્યુ છે તેની તપાસ માટે પેનલ ડોકટર દ્રારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.