વલસાડના MLAના ઘરે મેળા જેવો માહોલ, પરંપરાગત ઘેરૈયા નૃત્યને બિરડાવ્યું
હેરાતસિંહ, વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો. આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર કપરાડા તાલુકા અને જિલ્લાભરમાંથી લોકો પધાર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે. આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે. ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે.
ત્યારે, કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકીઓ પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી. જીતુભાઈ ચૌધરી એ પણ આ સાંસ્કૃતિક પરંપરા ને બિરદાવી હતી. પેઢીઓ થી ચાલતી આ પરંપરા ને યુવા પેઢી પણ ઉત્સાહ પૂર્વક આગળ વધારી રહી છે.