January 27, 2025

‘અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો’ આ સૂત્રને સાકાર કરતી ઉના તાલુકાની દિવ્યાંગ વિદ્યાર્થિની…

ધર્મેશ જેઠવા, ઉના: કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો દુનિયામાં સાહસિક લોકોને કોઈ કમી નથી પરંતુ સાહસ કરવો તમામ લોકો માટે શક્ય પણ નથી. ઉના તાલુકાના નવાબંદર ગામે રહેતા વાજા કલ્પના કરસનભાઈ નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીના પરિવારમાં માતા ભાઈ અને પોતે કલ્પના મળી કુલ ત્રણ વ્યક્તિઓ જ રહે છે. કલ્પના વાજા નાની હતી ત્યારથી જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. સંયુક્ત ઘરની જવાબદારી માતા પર આવી જતા તેમના માતા વેરાવળ ખાતે માછીમારીની કંપનીમાં માસિક 8 હજાર જેટલી નાની રકમ કમાઈ છે અને દીકરા દીકરીને ભણાવે છે.

નાની દીકરી દિવ્યાંગ કલ્પના વાજાનો ભાઈ પણ અર્ધ (50%) દિવ્યાંગ છે તે પણ અભ્યાસ કરે છે. કલ્પનાને બાળપણ વીત્યા બાદ આંખોની રોશની જતી રહી ફરી ભણવા માટે તેના ભાઈએ તેમને ખૂબ મદદ કરી અને સપોર્ટ કરીને ભાવનગરની શ્રીકૃષ્ણસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ માટે મોકલી. અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવાના લીધે અનેક વિવિધ સ્પર્ધાઓમાં ઉતીર્ણ થઈ કલ્પના એ પોતાની બંને આંખો ની રોશનીના હોવાનો અફસોસ ન કર્યો અને જીવનમાં આગળ વધવાની જિજ્ઞાસાથી ભણવામાં ખૂબ રુચિ દાખવી હતી.

રાજ્યની દિવ્યાંગ શાળાઓ માંથી કુલ 15 જેટલા દિવ્યાંગ બાળકોએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાં ઉનાના નવાબંદર ગામે રહેતા કલ્પના વાજા નામની દિવ્યાંગ વિદ્યાર્થિનીએ બારમા ધોરણમાં 84% જેટલું રિઝલ્ટ મેળવી દેવ્યાંગ વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર મેળવી ગામનું નામ રોશન કર્યું હતું. આ સિવાય કલ્પના વાજાએ હેલન કેલન એવોર્ડ પણ મેળવ્યો છે. જીવનમાં અભ્યાસ કરી કલ્પના વાજાને બેંક મેનેજર બની માતાનું અને ગામનુ નામ રોશન કરવાની ઈરછા પણ છે. જ્યારે તેમના ભાઈ પણ જામનગરમાં અભ્યાસ કરીને બેંકમાં નોકરી મેળવવાની ઈચ્છા રાખે છે.