December 23, 2024

સહકારથી સમૃદ્ધિ અંતર્ગત અમરેલીના ઇશ્વરીયા ખાતે ‘સહકાર સંમેલન’ યોજાયું

દશરથસિંહ રાઠોડ, અમરેલી: લોકસભાની ચૂંટણીને લઈને અમરેલી જિલ્લાના તમામ સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ‘સહકારથી સમૃદ્ધિના બેનર હેઠળ ‘સહકાર સંમેલન’ અમરેલીના ઈશ્વરીયા ખાતે યોજાયું હતું. જેમાં અમરેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન થાય અને બુથ વાઇઝ મતદાનનો ગ્રાફ વધુ ઉંચો આવે તેવા પ્રયાસોને સાર્થક સાબિત કરવા સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

અમરેલીના ઈશ્વરીયા ખાતે યોજાયેલ આ સંમેલનમાં અમરેલીના પ્રભારી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા, સાંસદ નારણ કાછડીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, હીરા સોલંકી, જનક તળાવીયા, જે.વી. કાકડીયા સહિતના નેતાઓ સાથે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પાસના નેતા અને ભાજપમાં જોડાયેલા અલ્પેશ કથીરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સાંસદ નારણ કાછડીયાએ સહકારી અગ્રણીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બને તે માટે ઉત્સાહ સાથે મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે સહકારી ક્ષેત્રના ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતો, પશુપાલકો અંગે મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંગે સહકારી અગ્રણીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ મતદાન અંગ પશુપાલકો મતદાન કરી મતદાનનું નિશાન બતાવે તો જિલ્લા દૂધ સંઘ દ્વારા 1 રૂપિયો 1 લીટરે વધારે આપવાની જાહેરાત કરીને આચારસંહિતાનો ભંગ કર્યો હતો. જે અંગે દિલીપ સંઘાણીએ મીડિયામાં પક્ષ કે ઉમેદવાર તરફ મતદાન નહીં પણ મતદાન વધારવાના અભિગમ ગણાવ્યો હતો.