લોકસભાની ચૂંટણી પહેલા દસક્રોઈના કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા

મલ્હાર વોરા, ગાંધીનગર: લોકસભાની ચૂંટણી યોજાવાના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસમાં વધુ એક ભંગાણ જોવા મળ્યું છે. ખેડા લોકસભા વિસ્તાર અને દસક્રોઈ વિધાનસભાના કોંગ્રેસના એક નેતાએ રાજીનામું આપીને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ભાજપ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.
કોંગ્રેસ પક્ષમાંથી એક પછી એક નેતાઓ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. આજે દસક્રોઈ વિધાનસભા 2022ના કોગ્રેસના ઉમદેવાર ઉમેદસિંહ ઝાલા તેમના સમર્થકો સાથે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં, જો કે આ તમામ કોંગ્રેસી નેતાઓ બપોરના સમયે અચાનક ભાજપ પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને આવ્યા હતા, પરતું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગાંધીનગર તેમના નિવાસસ્થાને હાજર નહીં હોવાના કારણે આ તમામ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકતાઓને અમદાવાદ એરપોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કોંગ્રેસના નેતાઓને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પણ વાંચો: રામનવમીના દિવસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ ભગવાનના શરણે
નોંધનીય છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ઉમેદસિંહ ઝાલાને ટીકીટ આપી હતી અને ઉમેદસિંહ ઝાલા ભાજપના ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલે સામે ચૂંટણી લડ્યા હતા, પરતું કોંગ્રેસ ઉમેદવાર ઝાલાની હાર થઈ હતી. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષમાં ચાલી રહેલા ભરતી મેળામાં ઉમેદસિહં પણ આજે પોતાના કાર્યકતાઓ અને ટેકેદારો સાથે જોડાયા હતા. ઝાલા ભાજપમાં જોડાયા ત્યારે તેમની સાથે ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, રાજેશભાઈ ઝાલા, અમદાવાદ જીલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાઈ, ખેડા જીલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા. ઝાલાને ભાજપમાં ખેસ પહેરાવીને આવકાર્યા હતા.