December 5, 2024

ધોરાજીમાં ધમધમી રહી છે બોગસ સ્કૂલ, 10 વર્ષથી શાળા બંધ છતા શિક્ષકો લેતા હતા પગાર

Dhoraji: રાજ્યમાં નકલી અધિકારી, નકલી કોલેજ, નકલી જજ બાદ હવે નકલી શાળા ઝડપાવવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ધોરાજીના છાડવાવદર ગામમાંથી બોગસ સ્કૂલ પકડાઈ છે. ગામમાં જે.જે કાલરીયા નામની બોગસ સ્કૂલ ધમધમી રહી હતી. જેને લઈને ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ મુદ્દો ઉજાગર કર્યો છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ તેમાથી એક પણ અભ્યાસ કરવા આવતા નથી.

મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી માધ્યમિક સ્કૂલ ચાલી રહી હતી. તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા. ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ 9 અને 10ની ગ્રાન્ટ મેળવી રહી હતી. પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસમાં પણ ખોટું હોવાનું ખૂલ્યું છે. જોકે, રાજકારણીઓના ઓથના કારણે આ સ્કૂલ ધમધમી રહી હતી. વધુમાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત ગેસે CNGના ભાવમાં કર્યો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સ્કૂલમાં સરકારની ગ્રાન્ટો તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. આ સિવાય સ્કૂલની હાલત ખખડજત હાલતમાં છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા દસ વર્ષથી આ સ્કૂલ બંધ હોવાનો પણ ખુલાસો થયો છે.