કોંગોમાં આગ બાદ નદીમાં બોટ પલટી, 148 લોકોના મોત; 500 લોકો હતા સવાર

Congo River Fire: ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાં લાકડાની મોટરવાળી બોટમાં આગ લાગી હતી. આ ઘટના બાદ કોંગો નદીમાં બોટ પલટી ગઈ, જેમાં ઓછામાં ઓછા 148 લોકોના મોત થયા.

ઘટના કેવી રીતે બની?
મીડિયા રિપોર્ટ્સમાં આજે સ્થાનિક અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, મંગળવારે દેશના ઉત્તરપશ્ચિમ ક્ષેત્રમાં કોંગો નદીમાં બોટ પલટી ગઈ ત્યારે મહિલાઓ અને બાળકો સહિત 500 મુસાફરો સવાર હતા. નોંધનીય છે કે, કોંગોમાં બોટ અકસ્માત સામાન્ય છે. કોંગોના ગામડાઓ વચ્ચે પરિવહનનું મુખ્ય સાધન જૂની લાકડાની હોડીઓ છે અને ઘણીવાર તેમાં માલસામાન ભરેલો હોય છે. આ કારણે, કોંગોમાં ઘણી બોટ અકસ્માતો થાય છે.

સેંકડો લોકો ગુમ
અહેવાલો અનુસાર અધિકારીઓનો અંદાજ છે કે સેંકડો લોકો હજુ પણ ગુમ છે. પહેલા મૃત્યુઆંક 50 હોવાનું કહેવામાં આવ્યું હતું. એચબી કોંગોલો નામની બોટમાં Mbandaka શહેરની નજીક આગ લાગી હતી, જે બોલોમ્બા પ્રદેશ માટે Mtankumu બંદરથી રવાના થઈ હતી. સ્કાય ન્યૂઝના અહેવાલ મુજબ, લગભગ 100 બચી ગયેલા લોકોને સ્થાનિક ટાઉન હોલ ખાતેના કામચલાઉ આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે દાઝી ગયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

રસોઈ બનાવતી વખતે આગ લાગી
નદીઓના કમિશનર કોમ્પિટ લોયોકોએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે એક મહિલા બોટમાં રસોઇ કરી રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. અહેવાલોમાં જણાવાયું છે કે મહિલાઓ અને બાળકો સહિત ઘણા મુસાફરો પાણીમાં કૂદીને મૃત્યુ પામ્યા હતા કારણ કે તેઓ તરીને શકતા ન હતા.