September 21, 2024

ગુજરાતમાં ફરી ટ્રેન ઉથલાવવા માટેનું કાવતરું, ટ્રેક-સ્લીપર છૂટા પાડી દીધાં

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં કિમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન થયો હોવાની ઘટના સામે આવી છે. કિમ નદીના બ્રિજ પાસે આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત NIA પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

કેટલાક અસામાજિક તત્વો દ્વારા જોગલ ફિશર પ્લેટ નામની લોખંડની પ્લેટ છૂટી કરી રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક સ્લીપર પણ ટ્રેકથી છૂટા પાડી દેવામાં આવ્યા હતા.

ટ્રેકને સ્લીપર સાથે જોડતા 71 જેટલા એન્કર છૂટા કરી નાંખવામાં આવ્યા હતા. રાત્રે પસાર થતી ટ્રેનના લોકો પાયલટે જોતાં જ સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. લોકો પાયલટે તાત્કાલિક આ ઘટનાની જાણ કોસંબા અને કિમ રેલવે સ્ટેશને કરી હતી. આ ઉપરાંત ટ્રેનના લોકો પાયલટે એક વ્યક્તિને ભાગતો જોયો હતો તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. હાલ તમામ પાર્ટ્સ પાછા જોઇન્ટ કરીને ટ્રેક રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવ્યો છે.