December 31, 2024

VNSGUમાં પરીક્ષા માટે નવા નિયમો, જાણી લો તમામ માહિતી

અમિત રુપાપરા, સુરતઃ શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 14 ઓક્ટોબરથી બીકોમ, બીએ અને બીસીએ સહિતની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી રોકવા માટે 120 સભ્યોની સ્કોડની ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત પેપરના બંડલ ખોલવા બાબતેના નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. તો પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રના સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોવાનું સૂચન પણ પરીક્ષા સેન્ટરોને કરવામાં આવ્યું છે. જો આવું નહીં થાય તો પેનલ્ટીથી લઈને પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી થશે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ અને બીએ સહિતના અભ્યાસક્રમોની પરીક્ષા 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. ત્યારે આ બાબતે પરીક્ષાની ગાઈડલાઈન પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. બીજી તરફ પરીક્ષામાં ચોરી રોકવા માટે યુનિવર્સિટી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને 120 સભ્યોની સ્કોડ ટીમની રચના કરવામાં આવી છે. 4 ઝોનની સ્કોડની ટીમ તૈયાર કરવામાં આવી છે.

આ 120 સભ્યોની ટીમમાં મહિલા અને પુરુષ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ કોલેજોને પેપર બંડલ તોડવા અંગેના કેટલાક નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં ઘણી કોલેજમાં પેપરના બંડલ તોડવા મામલે જુદા જુદા પ્રકારની ફરિયાદો મળી રહી હતી. ત્યારે યોગ્ય નિયમ મુજબ તમામ કોલેજોમાં એકસાથે પેપર ખુલે તે માટેનું આયોજન પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે.

મહત્વની વાત છે કે, જે સેન્ટર ઉપર પરીક્ષા યોજાશે તે તમામ સેન્ટરોના સીસીટીવી કેમેરા ચાલુ રાખવા માટેના પણ આદેશ કરવામાં આવ્યા છે. જે પરીક્ષા સેન્ટરના સીસીટીવી કેમેરા પરીક્ષા દરમિયાન બંધ જાણવા મળશે તો આવા સેન્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. પેનલ્ટીથી લઈને પરીક્ષા સેન્ટર રદ સુધીની કાર્યવાહી થઈ શકશે.

પરીક્ષાના સમયે પેપરના બંડલ તોડવા બાબતે કોઈ ફરિયાદ સામે ન આવે એટલા માટે પ્રોફેસરોએ આ બંડલ ખોલવાની કામગીરી સીસીટીવી કેમેરાની સામે કરવી પડશે. પરીક્ષા દરમિયાન વીજકાપ ન થાય તે માટે તમામ કોલેજોએ જે તે એક વીજ કંપનીને પત્ર લખીને આ બાબતે માહિતી આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા છે. ત્યારે આ બાબતે પણ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાય તો તેને 200થી લઈને 2000 સુધીનો દંડ કરવામાં આવતો હતો. પરંતુ હવે આ રકમમાં વધારો કરાયો છે અને મિનિમમ દંડ 2500થી લઈને 10,000 અને અમુક કિસ્સામાં 20,000 સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચોરી કરતા પહેલા આ દંડની રકમ જાણીને વિદ્યાર્થી એકવાર અવશ્ય વિચાર કરશે કે તેની આ ભૂલ તેને આર્થિક નુકસાનની સાથે અભ્યાસમાં પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એટલા માટે વિજ્ઞાનમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે.