December 26, 2024

આશ્રમ શાળાની દીકરીની છેડતી કરનાર લંપટ રસોઈયાની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: નવા નરોડામાં એક આશ્રમ શાળામાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરીને માનસિક ત્રાસ આપનાર રસોઈયાની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની હેરાનગતિથી કંટાળીને સગીરાએ આશ્રમના ધાબા પરથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું વિજય સોલંકી છે. જેને ધોરણ 8માં અભ્યાસ કરતી સગીરા સાથે શારીરિક અડપલાં કરતા કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી. ઘટનાની વાત કરીએ તો 9 સપ્ટેમ્બરના રોજ નવા નરોડાની આશ્રમ શાળા ના ધાબા પરથી 15 વર્ષની સગીરાએ પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સગીરાને ઇજાગ્રસ્ત અને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સગીરાને ભાનમાં આવતા પોલીસે નિવેદન લેતા રસોઈયા વિજય સોલંકીની કરતુતનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી સગીરાની એકલતાનો લાભ લઈને તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો. જેથી કંટાળીને સગીરાએ આ પગલું ભર્યું હતું . કૃષ્ણનગર પોલીસે છેડતીનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સગીરાનું માતાના અવસાન બાદ તેના પિતાએ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જેથી સગીરાના પરિવારે 31 જુલાઈ 2024ના રોજ આશ્રમમાં ધોરણ 8માં અભ્યાસ માટે એડમિશન લીધું હતું. પરંતુ દોઢ માસ દરમ્યાન આશ્રમ શાળા માં રસોઈયા તરીકે કામ કરતો આરોપી વિજય સોલંકી સગીરાને હેરાન કરતો હતો અને સગીરાને એકલી જોઈને શારીરિક અડપલાં કરતો હતો.

સમગ્ર ઘટનાઓથી કંટાળીને છેલ્લા ઘણા સમયથી સગીરા તેના ભાઈ ભાભી અને બહેનને આ આશ્રમ શાળા માં અભ્યાસ નહિ કરવો હોવાનું જણાવીને ઘરે લઈ જવા માટે જણાવતી હતી. પરંતુ પરિવારે તેની વાત માની નહતી. અને આરોપી વિજય સોલંકી સગીરાને શારિરિક છેડછાડ કરીને માનસિક હેરાન કરી રહ્યો હતો. જેથી સગીરાએ કંટાળીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં સગીરા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું બિલ્ડીંગ બન્યું જર્જરિત? લટકતી જોવા મળી છત

કૃષ્ણનગર પોલીસે છેડતી અને પોકસો હેઠળ ગુનો નોંધીને આરોપી વિજય સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં સગીરાનું નિવેદન નોંધ્યું છે. આ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થીનિઓ સાથે આવું કોઈ કૃત્ય કર્યું છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.