January 22, 2025

મહેસાણા-પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો પાણીનું બિલ ભરવામાં પાણીમાં બેસી ગઈ

કમલેશ રાવલ, મહેસાણા: મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતો પાણીના બિલ ભરવામાં પાણીમાં બેસી ગઈ છે. બન્ને જિલ્લાની 8 નગરપાલિકા અને 110 ગામના પાણી બિલે 110 કરોડ રૂપિયાનો આંક વટાવી દીધો છે. ધરોઇ અને નર્મદા જૂથ પાણી પૂરવઠા યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવતી મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને પંચાયતોએ છેલ્લા ત્રણ વર્ષથી પાણી બિલ ભરવામાં ઠાગાઠૈયા કરતાં આ સ્થિતિ સર્જાઇ છે. બાકી પાણી બિલના આંકમાં સૌથી આગળ મહેસાણા નગરપાલિકા છે. બીજા ક્રમે ઉંઝા અને વિસનગર નગરપાલિકા છે. તો બીજી તરફ ગ્રામપંચાયતોએ પણ કરોડો રૂપિયાના પાણી બિલની ભરપાઇ કરી નથી. આ સંજોગોમાં પાણી પૂરવઠા બોર્ડ માટે પીવાનું પાણી પૂરૂ પાડવાની કામગીરી અતિ કઠિન સાબિત થઇ રહી છે.

મહેસાણા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. આ બંન્ને જિલ્લાના મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ધરોઇ જૂથ પાણી પૂરવઠા યોજના પર નિર્ભર છે. અને આ માટે પાણી પૂરવઠા બોર્ડ કરોડોના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ સ્થાપ્યો છે. અને શહેરી વિસ્તારોને માત્ર 4 રૂપિયાના ભાવે એક હજાર લિટર પાણી અપાય છે. તો ગ્રામ્યવિસ્તારમાં પ્રતિવ્યક્તિ દીઠ વાર્ષિક 14 રૂપિયાના દરે પાણી અપાય છે. તેની સામે પાલિકાઓ અને ગ્રામપંચાયતો લોકો પાસેથી મોટોમસ પાણી વેરો ઉઘરાવે છે. આમ છતાં પાલિકાઓ આ વેરાના પૈસા અન્ય જગ્યાએ ખર્ચી નાખતાં ધરોઇનું પાણી મેળવી બિલ ભરપાઇ કરતી નથી. આ કારણે ધરોઇ જૂથ યોજનાનું પાણી મેળવતી મહેસાણા જિલ્લાની 4 અને પાટણ જિલ્લાની 1 નગરપાલિકાનું 590652080 રૂપિયાનું પાણી બિલ ચઢી ગયુ છે. અને 457 ગ્રામપંચાયતોનું 47 કરોડ રૂપિયા બિલ બાકી છે. આ સ્થિતિમાં ધરોઇ જૂથ યોજના ડચકા ખાવા લાગી છે. તો નર્મદા યોજનામાં ત્રણ નગરપાલિકાઓ અને 117 ગ્રામ પંચાયતના 52 કરોડ રૂપિયાનું બિલ ભરપાઇ થયુ નથી. જો કે આ સ્થિતિમાં પણ પાણી પુરવઠા બોર્ડ કોઈ કાર્યવાહી કરી શકતું નથી. અને દિવસે ને દિવસે આ યોજનાઓની લ્હેણી રકમ વધી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં 14 જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ, 10 લોકોની ધરપકડ

મહેસાણા અને પાટણ જિલ્લાની પ્રજા માટે કાર્યરત કરાયેલી નર્મદા અને ધરોઇ પાણી પૂરવઠા યોજના પાછળ સરકારને પ્રતિવર્ષે કરોડોનો ખર્ચ પડે છે. અને તેની સામે પ્રજાને શુદ્ધ પાણી મળે તે માટે સાવ મામૂલી રકમ વસૂલ લેવાય છે. આમ છતાં ઉંઝા નગરપાલિકાએ 170557892, વડનગર નગરપાલિકાએ 96567400, ખેરાલુ પાલિકાએ 76845740, વિસનગર નગરપાલિકાએ 178115944, મહેસાણા પાલિકાએ 20.16 કરોડ ચાણસ્મા પાલિકાએ 1.20 કરોડ સિધ્ધપુર પાલિકાએ 68565104, પાટણ પાલિકાએ 50 લાખ તો કડી નગરપાલિકા 4.09 કરોડ રૂપિયાના બાકી બિલ ભરપાઇ કર્યા નથી. તો નર્મદાનું પાણી મેળવતા 117 ગામ દ્વારા 25.41 કરોડનું બિલ ભરાયું નથી. આ કુલ રકમ 110 કરોડ કરતા પણ વધુ થવા જાય છે. તો વળી ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો 875 ગામડા આ યોજના અંતર્ગત પીવાનું પાણી મેળવે છે. અને આ વિસ્તારોએ પણ 65.80 કરોડ રૂપિયાનો લોકફાળો ભરપાઇ કર્યો નથી. આ સ્થિતિમાં પાણી પૂરવઠા બોર્ડે લાભાર્થી પાલિકાઓ અને પંચાયતોને વારંવાર નોટિસ આપી બિલ ભરપાઇ કરવા તાકીદ કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. આ સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા આકરા પગલાં ભરી બિલ વસૂલવા માગ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કાર્યરત થયેલી આ યોજનાઓનો ઉદ્રેશ્ય પ્રજાને ફ્લોરાઇડ વાળા પાણીથી મુક્તિ અપાવવાનો છે, તેવા સમયે પ્રજા પાસેથી પાણીવેરો ઉઘરાવી તેનો આડેધડ ખર્ચ કરી પ્રજાને પાલિકાઓએ મુશ્કેલીમાં મૂકી છે, ત્યારે હવે પાલિકાઓના વહીવટ કદાચ પાણીકાપ પછી સુધરે તેવી પાણી પૂરવઠા બોર્ડને આશા છે. જો કે, પાણી આવશ્યક સેવા હોવાને કારણે પાણી પૂરવઠા બોર્ડ પણ મજબૂર છે. જેનો લાભ પાલિકાઓ અને પંચાયતો ઉઠાવી રહી છે.