November 26, 2024

Gandhinagar: RTI એક્ટિવિસ્ટે 18 શાળાના ટ્રસ્ટી પાસેથી 66 લાખની છેતરપિંડી કરી

ગાંધીનગરમાં RTI એક્ટિવિસ્ટ તરીકે પોતાની ઓળખ આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પોતાને RTI એક્ટિવિસ્ટ કહી સ્કૂલો પાસેથી લાખો રૂપિયા ઉધરાવતો હતો. એટલું જ આરોપી વિવિધ સ્કૂલો પાસેથી માહિતી માંગી સંચાલકોને પૈસા નહીં આપો તો સ્કૂલ બંધ કરાવી દઈશ એવી ધમકી આપતો હતો. સુરતની શાળાના આચાર્યને શંકા જતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ શરૂ કરી અને માહિતી અનુસાર આ ઠગે અત્યારસુધી 66 લાખની ઉધરાણી કરી છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પર દસ્તાવેજો અધૂરા હોવાનું અને અન્ય ખામીઓ આરટીઆઈ દ્વારા મેળવવામાં આવી હોવાનું જાણવાથી શાળા બંધ કરવાની ધમકી આપીને છેતરપિંડી કરવાનો આરોપ છે. CID ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.
66 લાખ રૂપિયાની છેતરપિંડી કરી
સુરતમાં મોટા વરાછામાં રહેતા પ્રવીણ ગજેરાએ ગાંધીનગર સેક્ટર 7માં રહેતા મહેન્દ્ર પટેલ વિરુદ્ધ FIR નોંધાવી છે. આરોપીએ એવું કહ્યું કે તે ટ્રસ્ટના ટ્રસ્ટી છે જે જય અંબે વિદ્યા ભવન નામની ઉચ્ચ માધ્યમિક શાળાઓ ચલાવે છે. તેઓ વડોદરા, ભરૂચ, રાજપીપળા, સુરત, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, ધરમપુર, ભીલાડ, વાપી, ચીખલીમાં કુલ 18 જેટલી શાળાઓ ચલાવે છે. વર્ષ 2012 થી 2015 સુધી મહેન્દ્ર પટેલે સંબંધિત જિલ્લાની ડીઈઓ કચેરીમાં આરટીઆઈ કરીને ગુજરાતમાં આવેલી જય અંબે વિદ્યા ભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લગતા દસ્તાવેજો અને માહિતી મેળવી હતી. આ માહિતીનો દુરુપયોગ કરીને અધૂરી માહિતી અને અન્ય ખામીઓ શોધીને શાળા અને સંસ્થાને બદનામ કરવાની ધમકી આપી હતી. આરોપીએ 2012થી 2015 દરમિયાન અલગ-અલગ સમયે તેમની પાસેથી 66 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

આરોપીના ઘરેથી મહત્વના દસ્તાવેજો મળ્યા છે
CID ક્રાઈમે FIR નોંધી આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. જે બાદ ગાંધીનગર સ્થિત તેના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. ઘરમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત એક કરોડથી વધુની રોકડ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ સુરતની કેપિટલ મોર્ડન સ્કૂલના ટ્રસ્ટીઓએ ફરી ફરિયાદ નોંધાઈ છે. જેમાં જાણવા મળ્યું કે આરોપીએ સ્કૂલના ટ્રસ્ટીઓ પાસે રૂ.13 લાખથી વધુની કરી છેતરપિંડી છે. મહેન્દ્ર પટેલે ધમકી આપતો કે શાળા પાસે BU પરમિશન ન હોવાથી શાળા બંધ કરાવી દઇશ. ઓક્ટોમ્બર અને નવેમ્બર 2023માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાત સરકાર લખેલી કાર લઈને શાળાએ પહોંચ્યા હતા
એફઆઈઆરમાં પ્રવીણ ગજેરાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી મહેન્દ્રએ 2012માં વાપીમાં તેની સ્કૂલના લેન્ડલાઈન ફોન પર તેનો પ્રથમ વખત સંપર્ક કર્યો હતો અને સ્કૂલ બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારપછી આરોપી ગુજરાત સરકારની રજિસ્ટર્ડ કારમાં નવસારી જિલ્લાની ચીખલી સ્કૂલે પહોંચ્યો હતો.