December 17, 2024

PM મોદીના જન્મદિને દેશવ્યાપી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ

ગાંધીનગર: સ્વભાવ-સ્વચ્છતા સંસ્કાર-સ્વચ્છતાના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. 17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન 17 સપ્ટેમ્બર થી શરૂ કરીને 21મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે.

રાજ્યના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જન આંદોલન શરૂ કરવાનું મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું છે. નગરો અને મહાનગરોમાં હેવી ટ્રાફિક ધરાવતા અને કોમર્શિયલ વિસ્તારોમાં રાત્રે સફાઈનો અભિગમ અપનાવીને આ સ્વચ્છતા સફાઈ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વચ્છતા હી સેવા 2024ના અભિયાનના પ્રથમ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના સેક્ટર-7 શાકમાર્કેટ અને શોપિંગ સેન્ટર વિસ્તારમાં રાત્રી સફાઈમાં શ્રમદાન કરીને સહભાગી થયા હતા. તેમણે પાંચ શ્રેષ્ઠ સફાઈ મિત્રોને પ્રોત્સાહન ઈનામના પ્રત્યેક ને 10 હજાર રૂપિયા ના ચેક અને પોષણ યુક્ત આહાર ની રાશન કીટનું વિતરણ પણ કર્યું હતું.

ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ તથા મહાનગરપાલિકાની વિવિધ સમિતિના હોદ્દેદારો અને પદાધિકારીઓ-અધિકારીઓ , શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરે આ રાત્રી સફાઈ અભિયાનમાં જોડાયા હતા.