December 25, 2024

રાજકોટથી નીકળેલો 125 ભક્તોનો માં અંબાનો સંઘ આજે અંબાજી પહોંચ્યો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે. આજે ચૌદશના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે.

છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ અમને રાજકોટથી અહીં પહોંચતા આજે 13 દિવસ થયા છે. અમારા સંઘમાં 125 થી વધુ યાત્રાળુઓ છે. સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ. આ પહેરવેશ પહેરીને માં ના દરબારમાં આવીએ છીએ જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે.

સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે અમે માતાજીને બને તેટલું રિઝવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી કરીને માં અંબા નવરાત્રીના નવ દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે. દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માં ના દરબારમાં જવું જોઈએ જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ. આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે.

23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રિઝવવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન, મોભો, મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને મા ની ભક્તિ કરીએ છીએ. અમારા સંઘમાં ખુશખુશાલ રમતા, ગરબા ગાતા મા અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છે, ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો નથી અને હજુ ગઈકાલે જ નીકળ્યા હોય ને આજે પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માં ના ખોળામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે.