January 6, 2025

ઇરાનના સુપ્રીમ લીડરે ભારતીય મુસ્લિમોને લઈને આપ્યું વિવાદિત નિવેદન તો ભડક્યું ઇઝરાયલ

India Israel Slams Iran: ઈરાનના સર્વોચ્ચ નેતાએ ભારતીય મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભારતમાં મુસ્લિમો ચિંતિત છે છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે જો લોકો મ્યાનમાર, ગાઝા, ભારત અથવા અન્ય કોઈ સ્થળે મુસ્લિમોએ સહન કરવી પડી રહેલી વેદનાઓ અંગે નથી જાણતા તો તેઓએ સ્વયંને મુસલમાન ન માનવા જોઈએ.

ખામેનીએ ગઇકાલે 16 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ પયગંબરની જન્મજયંતિના દિવસે જ ઝેર ઓકયું જેનો ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના નેતાને કહ્યું કે ભારતીય મુસ્લિમો પર બોલતા પહેલા તેમણે પોતાની અંદર જોવું જોઈએ. તો, ઈઝરાયલ પણ ભારતના સમર્થનમાં ઉતારી આવ્યું અને ઈરાનના નેતાને પોતાના જ લોકોના ખૂની ગણાવ્યા.

ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે પોતાની એક્સ પોસ્ટમાં ખામેનીને ટેગ કરતાં લખ્યું કે તમે તમારા જ લોકોના હત્યારા છો અને તેમના પર જુલમ કરનારાઓમાંથી એક છો. ઈઝરાયેલ, ભારત અને તમામ લોકશાહી દેશોમાં મુસ્લિમો સ્વતંત્રતાનો આનંદ માણે છે જે ઈરાનમાં નથી મળતી. મને આશા છે કે ઈરાનના લોકો જલ્દી મુક્ત થઈ જશે.

ઈરાનના નેતાએ કહ્યું કે ઈસ્લામના દુશ્મનોએ હંમેશા ઈસ્લામિક ઉમ્માહ (રાષ્ટ્ર અથવા સમુદાય) તરીકેની અમારી સામાન્ય ઓળખને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ટ્વિટર પર પોસ્ટ કરતી વખતે તેમણે ગાઝા અને પેલેસ્ટાઈનમાં લોકો પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ફરી ઉઠાવ્યો. જોકે, આમાં ભારતનો કોઈ ઉલ્લેખ નહોતો.

તેમણે કહ્યું કે ઈસ્લામિક રાષ્ટ્ર અને સમુદાયનું સન્માન જાળવવાનું લક્ષ્ય એક થઈને જ પ્રાપ્ત કરી શકાય છે. ગાઝા અને પેલેસ્ટાઈનમાં પીડિત લોકોનું સમર્થન કરવું એ આપણી ફરજ છે, જે કોઈ આનાથી મોઢું ફેરવશે, અલ્લાહ તેમને સવાલ કરશે.

આ પણ વાંચો: જથ્થાબંધ ફુગાવો 4 મહિનામાં પહેલીવાર 2%થી નીચે, ઓગસ્ટમાં 1.31% થયો WPI

ભારતમાં લઘુમતીઓની સ્થિતિ પર ઈરાનની ટિપ્પણીની ભારતે કડક શબ્દોમાં નિંદા કરી. ભારતે ખામેનીની ટિપ્પણીને ખોટી માહિતી પર આધારિત અને અસ્વીકાર્ય ગણાવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું કહેવું છે કે ભારતના મુસ્લિમો પર ટિપ્પણી કરનારા દેશોએ અન્ય લોકો વિશે કંઈપણ બોલતા પહેલા પોતાનો રેકોર્ડ તપાસી લેવો જોઈએ. તેમણે કહ્યું કે અમે ઈરાની નેતાની આ ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ, તે ખોટી માહિતી પર આધારિત છે.