હવામાન વિભાગની નવી આગાહી, આગામી 4 દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહે તેવી શક્યતા
અમદાવાદઃ છેલ્લા એકાદ અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સદંતર ચોખ્ખું રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સમયમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘આગામી 4 દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવોથી મધ્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છમાં આવનારા 7 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે.’
તેમણે જણાવ્યુ છે કે, ‘ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1107 મિમી વરસાદ નોંધાયો છે. એક જૂનથી અત્યાર સુધી 27% વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73 ટકા વરસાદ વધારે નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે હળવો વરસાદ વરસશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી તાપમાન રહેશે.’