January 17, 2025

કેવી રીતે થયું હતું ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત, તપાસ રિપોર્ટમાં થયો ખુલાસો

લખનૌ: ભૂતપૂર્વ માફિયામાંથી રાજકારણી બનેલા ધારાસભ્ય મુખ્તાર અંસારીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું મેજિસ્ટ્રિયલ તપાસમાં જાણવા મળ્યું છે. બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીનું 28 માર્ચ, 2024ના રોજ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ બાદ મુખ્તારના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ અને વિસેરા ટેસ્ટ રિપોર્ટમાં ઝેરની પુષ્ટિ થઈ નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ હતી. જ્યારે વિસેરાને તપાસ માટે લખનઉ મોકલવામાં આવ્યો હતો. 20 એપ્રિલના વિસેરા રિપોર્ટમાં પણ ઝેરની પુષ્ટિ થઈ નથી.

મુખ્તાર અંસારીના પરિવારને નોટિસ મોકલવામાં આવી હતી
મુખ્તાર અંસારીના પરિવારજનોના આક્ષેપો બાદ સરકારના આદેશ પર મૃત્યુનું કારણ જાણવા માટે મેજિસ્ટ્રેટ અને ન્યાયિક તપાસની સ્થાપના કરવામાં આવી હતી. બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુખ્તાર અંસારીના પરિવારજનોને નોટિસ મોકલવા છતાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. હકીકતમાં, નોટિસ મોકલીને મુખ્તાર અંસારીના પરિવારજનોને મૃત્યુના કારણ અંગે વાંધો કે પુરાવા રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. પરંતુ પરિવારના કોઈ સભ્યએ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: વંદે ભારત મેટ્રોનાં ઉદ્ઘાટન પહેલા કર્યું નવું નામકરણ, હવે આ નામથી ઓળખાશે

5 મહિના સુધી તપાસ ચાલી
લગભગ 5 મહિના સુધી ચાલેલી તપાસ દરમિયાન જેલના અધિકારીઓ, કર્મચારીઓ, મુખ્તારની સારવાર કરનાર જિલ્લા હોસ્પિટલના ડોક્ટર, મેડિકલ કોલેજના ડોક્ટર, પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર વગેરે સહિત 100 લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં જેલના સીસીટીવી ફૂટેજ, બેરિક ઈન્સ્પેક્શન અને ફૂડ ઈન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવ્યો છે.