January 21, 2025

કાર ચલાવતા સમયે આટલા નિયમોનું ખાસ પાલન કરવું?

ઘણા લોકો કાર ચલાવતા સમયે બેધ્યાન થઈ જાય છે અને અકસ્માતનો શિકાર બને છે ત્યારે તમારી સાથે પણ આવું ના થાય તે માટે તમારે કેટલાક મહત્વના નિયમોનું પાલન તો કરવું જ પડશે. આ નિયમોનું પાલન કરવાથી તમે સુરક્ષિત રહેશો અને ક્યારેય મુશ્કેલીમાં મૂકાશો નહીં. તો ચાલો જાણીએ કે આ નિયમો ક્યા ક્યા છે.

નિયમ 1 – હંમેશા સીટબેલ્ટ પહેરો
તમે અત્યારે જ એક નિયમ બનાવી દો, તમે જેવા ગાડીમાં બેસો કે તુરંત જ સીટ બેલ્ટ પહેરી લો. અકસ્માતની સ્થિતિમાં સીટ બેલ્ટ તમારા માટે સુરક્ષા કવચ જેવું કામ કરી શકે છે. તો જ્યારે પણ કાર ડ્રાઇવ કરો તો સીટ બેલ્ટ પહેરવાનું ના ભૂલવું.

નિયમ 2 – ધ્યાન ભંગ ના થાય તેનું ધ્યાન રાખો
કાર ચલાવતા હોઇએ ત્યારે કારમાં મ્યુઝિક વગાડવું તો સૌને ગમે. પણ આ મ્યુઝિક તમારું ધ્યાન ભંગ કરે તેવું ના હોવું જોઇએ. ક્યાંક એવું ના બને કે તમે મ્યુઝિકની મસ્તીમાં ટ્રાફિકના સિગ્નલોને જુઓ નહીં અને કોઇ અણધારી ઘટનાને ભેટો. બીજું કે કાર ચલાવતી વખતે ફોન કોલ એટેન્ડ કરવાનું ટાળો. એક મગજ અને બે કામ મુશ્કેલ છે. એક તરફ કાર ડ્રાઇવિંગ પર ધ્યાન રાખવાનું અને બીજી તરફ ફોન પર વાત કરવી આફતને આમંત્રણ આપવા બરાબર છે.

આ પણ વાંચો: શું આ દેશમાં ક્રિકેટ પર પ્રતિબંધ લાગશે? જે ટીમે વર્લ્ડ કપમાં કર્યા હતા મોટા ઉલટફેર

નિયમ 3 – સ્પીડ લિમિટ ના તોડો
ચકાચક રોડ કોઇ પણ ડ્રાઇવને તેની કાર પૂરપાટ હંકારવા માટે લલચાવી શકે છે પરંતુ યાદ રાખો નિર્ધારીત સ્પીડથી વધુની સ્પીડ તમારા માટે તેમજ રાહદારી માટે ઘાતક પુરવાર થઇ શકે છે. ખાલીખમ રોડ હોય તો પણ તમારે બેફામ ઝડપે કાર ચલાવવાથી દૂર રહેવું જોઇએ કારણકે જો તમે કાર પરનો કાબૂ ગુમાવશો અથવા તો અચાનક બ્રેક ફેલ થાય કે કોઇ યાંત્રિક ખામી સર્જાશે તો તમારી શું સ્થિતિ થશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી.

નિયમ 4 – કારની નિયમિત સર્વિસ કરાવો
કારની નિયમિત સર્વિસ કરાવો. તમારા ટાયરમાં હવા પુરતી છે અને તમારી બ્રેક સારી રીતે કામ કરી રહી છે તે સુનિશ્ચિત કરો. તમારી હેડલાઇટ અને સાઇડ મિરર તૂટેલા તો નથીને તે ચેક કરી લો. તમારા એન્જિન ઓઇલને નિયમિત રીતે બદલો અને જો લાંબી મુસાફરી પર જવાના હોવ તો એકવાર મિકેનિક જોડે આખી ગાડી ચેક કરાવી લો.

નિયમ 5 – ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરો
જો તમે ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છો તો અકસ્માત તમારી વાટ જોઇને જ બેઠો છે. નજર હટી, દુર્ઘટના ઘટી… ટ્રાફિક સિગ્નલ તમને માર્ગદર્શન કરશે કે તમારે ક્યાં ટર્ન લેવો કે તમારે કેટલી સ્પીડ રાખવી. જો તમે ટ્રાફિક સિગ્નલની વાત નહીં માનો તો સુરક્ષા તમારી વાત નહીં માને અને અકસ્માત પાક્કો સમજો.

નિયમ 6 – સલામત અંતર જાળવો
તમે જ્યારે વાહન ચલાવતા હોવ ત્યારે તમારે તમારી આગળના વાહનથી સલામત અંતર જાળવવું જ જોઇએ. તેમાં પણ જો તમારી કાર સ્પીડમાં હોય ત્યારે આ નિયમ ખુબ જ મહત્વનો બની જાય છે. ધારોકે, તમારી અને તમારી આગળની કાર ખુબ જ સ્પીડમાં દોડી રહી છે અને અચાનક આગળની કાર વાળો બ્રેક મારે છે. તમે શું કરશો? તમે અચાનક બ્રેક મારશો તો તમારું કાર પરથી સંતુલન ખોરવાઇ જશે અથવા તો તમારી કાર આગળવાળાની કારમાં ઘૂસી જશે. સ્પીડ મુજબ સલામત અંતર અત્યંત જરૂરી છે. આ બેમાંથી એક પણ નિયમ તમે તોડ્યો તો નુકસાન માટે તૈયાર રહો…

નિયમ 7 – ટ્રાફિક ડિસિપ્લિન
ભારતના ભીડભાડવાળા રસ્તાઓ પર ટ્રાફિક ડિસિપ્લિન અત્યંત જરૂરી છે. બિઝી રોડ પર ક્યારેય લેન ચેન્જ કરીને કાર ઓવરટેક ના કરો. કદાચ તમારે લેન ચેન્જ કરવી પણ પડે તો ચોક્કસથી સિગ્નલ આપો. જો તમે કોઇ વાહનની ઓવરટેક કરી રહ્યા હોવ તો ક્યારેય ડાબી બાજુથી ઓવરટેક ના કરો. હંમેશા જમણી બાજુથી જ ઓવરટેક કરો.

જો આ નિયમોનું પાલન કરશો તો તમે સલામત અને સુરક્ષિત રીતે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો.