January 7, 2025

લો બોલો! રાજ્યના વિદ્યાર્થીઓ માતૃભાષા ‘ગુજરાતીમાં પણ ઠોઠ’

કમલેશ રાવલ, મહેસાણા: અનેક શિક્ષણ પદ્ધતિઓ, વિવિધ કાર્યક્રમો છતાંય શિક્ષણનું સ્તર ઉપર જવાને બદલે નીચે ઉતરી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મહેસાણા જિલ્લામાં ધોરણ 2 થી 8માં અભ્યાસ કરતા બાળકોના પરિણામ ખૂબ આંચકાજનક છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કદાચ શિક્ષણના નામે અલગ-અલગ કાર્યક્રમોની સંખ્યા વધારે હશે. જો કે તેમ છતાં બાળકોનું શિક્ષણ સ્તર સુધરવાને બદલે બગડી રહ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓને માતૃભાષા એવી ગુજરાતી વાંચવામાં જ તકલીફ પડી રહી છે. પ્રાથમિક શાળામાં કાચો રહી ગયેલો પાયો દસમાં ધોરણમાં ફજેતી છતી કરે છે. વિતેલા વર્ષોના પરિણામોના આંકડા એ સ્પષ્ટ જણાય છે કે ધોરણ 10માં સૌથી વધારે નાપાસ થવાનું પ્રમાણ ગુજરાતી ભાષામાં હતું. એક તરફ સરકાર ડિજિટલ વર્ગોમાં વર્લ્ડ કલાસ શિક્ષણ આપવાની વાતો કરે છે. પરંતુ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 2 થી 8ના બાળકો વાંચન, લેખન અને ગણિતમાં ગોથા ખાય છે. શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, એકમ કસોટી, પ્રજ્ઞા કલાસ રૂમ ન જાણે કેટ કેટલાય કાર્યક્રમો ચાલે છે, છતાંય પરિણામ નથી મળતું ત્યારે સવાલ એ થાય છે કે, શું સાચી શિક્ષણ પદ્ધતિના નામે આખો કાર્યક્રમ જ ક્યાંક ભટકી ગયો છે? શું જવાબદાર શિક્ષકો અને અધિકારીઓ પોતાની નિષ્ઠા ચુક્યા છે? શું સરકાર આંકડા જાણીને સંતોષ માની બેઠી છે? શું શિક્ષણ નીતિ નિર્ધારકો માને છે કે નામ બદલવાથી પરિસ્થિતિ બદલાઈ જશે?

કદાચ એટલે જ હવે શિક્ષણ વિભાગે ઠોઠ વિદ્યાર્થીઓને પ્રિય વિદ્યાર્થીઓ એવું નામ આપ્યું છે. હવે શિક્ષણ વિભાગ નબળા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને મનોબળ ભરવા કમર કસી રહ્યો છે. વિશેષ ધ્યાન આપવા તૈયાર થયા છે.

આ પણ વાંચો: રાહુલના નિવેદન પર હર્ષ સંઘવીનું ટ્વીટ, ‘તેમના નિવેદન બાદ દેશમાં આંતરિક વિક્ષેપ શરૂ’

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો કુલ 1008 પ્રાથમિક શાળાઓમાં કુલ 142631 બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ 2થી 8માં અભ્યાસ કરતા બાળકો પૈકી 23271 બાળકો વાંચનમાં, 43774 બાળકો લેખનમાં અને 46886 બાળકો ગણનમાં ઠોઠ હોવાના આંકડા સામે આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રમાણ ધોરણ 2માં સૌથી વધારે છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 2માં અભ્યાસ કરતા બાળકો પૈકી 50 ટકા બાળકો ઠોઠ નિશાળીયા છે. બાળકોમાં શીખવા માટે રહી ગયેલી આ ઉણપ માટે કોણ જવાબદાર છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણમાં સુધારો લાવવાનો પ્રયાસ ચોક્કસ કરવામાં આવી રહ્યો છે. અને બાળકોને સરળ પદ્ધતિથી શિક્ષણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતાં બાળકોમાં આ કવાયતના ફળ કેમ ઉગતા નથી તે મુઝવતો સવાલ છે. પ્રાથમિક શાળાના કુલ વિદ્યાર્થીઓના 35 ટકા કરતા વધુ બાળકો ઠોઠ નિશાળીયા હોવાનું ખુદ સરકારને પણ સ્વીકારવું પડે તે વાત જ આંચકા જનક છે. હવે મિશન વિદ્યામાં ઠોઠ ગણાતા પ્રિય વિદ્યાર્થીઓમાં શિક્ષણનો સંચાર ક્યારે થશે તે જોવુ રહ્યું.