પાટણમાં પ્રજાપતિ પરિવારના 4 લોકોની સ્મશાન યાત્રા નીકળતા શહેર આખું હિબકે ચઢ્યું
ભાવેશ ભોજક, પાટણ: પાટણ પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ચાર લોકોના નદીમાં ડૂબવાથી મોત થતા આજે સવારે તેઓની અંતિમયાત્રા તેઓના નિવાસ્થાનેથી નીકળતા સમગ્ર પાટણ શહેર હિબકે ચઢ્યું હતું. પરિવારજનોની રોકકળથી વાતાવરણમાં ગમગીની સાથે શોક છવાયો હતો. પદ્મનાથ મુક્તિધામ ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
પાટણ સરસ્વતી નદીમાં ગતરોજ ગણેશ વિસર્જન કરવા ગયેલ પ્રજાપતિ સમાજના એક જ પરિવારના માતા, બે પુત્ર અને મામાનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. મોડી રાત્રે જ્યારે મૃતકોની લાશને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ મૃતકોની લાશને પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
આજે સવારે વેરાઈ ચકલા સ્થિત તેઓના નિવાસ્થાને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપરાંત આસપાસના મોહલ્લાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એક જ પરિવારમાંથી એકી સાથે ચાર નનામી નીકળતા સમગ્ર પ્રજાપતિ સમાજ સહિત વિસ્તાર હિબકે ચઢ્યો હતો. પરિવારજનોની રોકકળથી સમગ્ર વાતાવરણ શોકમય બની હતું. ચારેય મૃતકોને અંતિમવિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે બંને ભાણીયા અને બહેનને બચાવવા જતા મામા નયન ભાઈનું મોત પણ થયું હતું. ત્યારે ચાર દિવસ બાદ મૃતક પરિવારમાં જ શ્રીમંતનો પ્રસંગ હોવાનું જાણવા મળ્યું છે.