December 25, 2024

Surat : મનપાનું વર્ષ 2024-25 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું, વિકાસ કાર્યો માટે રૂ. 4121 કરોડની જોગવાઈ

સુરત મનપાનું વર્ષ 2024-25 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ડ્રાફ્ટ  આ બજેટ રજૂ કર્યું છે. સ્વચ્છતામાં નંબર 1 સિટી બન્યા બાદ હવે સુરત શહેરના વિકાસ માટે પાલિકાએ વધુ રકમ ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ચાલુ વર્ષમાં રૂ.4 હજાર કરોડથી વધુ રકમ વિકાસ માટે ખર્ચ કરાશે. તેમજ સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોને બજેટમાં વેરાનો બોજ વધારવામાં આવ્યો નથી. સુરત મહાનગર પાલિકા કમિશ્નરે વર્ષ 2024-25 માટે 8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. પાલિકાએ સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરી છે. આ વર્ષે પહેલી વખત સુરત મહાનગર પાલિકાની રેવન્યું આવક 5000 કરોડને પાર કરશે. અંદાજ અનુસાર રેવન્યુ આવક 5025 કરોડ થશે જ્યારે રેવન્યુ ખર્ચ 4597 કરોડ પર પહોંચશે. જોકે, રાહતની વાત એ છે કે શહેરીજનો વેરાનો બોજો વધારવામાં આવ્યો નથી.

પાલિકા કમિશનરે કહ્યું કે, પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે અને પહેલીવાર વિકાસ કાર્યો પાછળ 4 હજાર કરોડથી વધુની રકમ ખર્ચ કરવામાં આવશે. પ્રજા પર કોઈ પણ પ્રકારના કર દર વધારાયા નથી. તેથી આ બજેટને વિકાસલક્ષી બજેટ કહી શકાય. ગયા વર્ષે 7848 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. તેની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં 870 કરોડનો વધારો થયો છે.

  • ભારત સરકારના બજેટ 2023-24ની સપ્તઋષિ પરિકલ્પનાને સમાવી લેવાઇ છે
  • પ્રજાજનો પર કોઈ પણ પ્રકારના કરબોજો નાંખવામાં આવ્યો નથી
  • રેવન્યુ આવક 5025 કરોડ અને રેવન્યુ ખર્ચ 4597 કરોડ
  • શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજના નિર્માણ માટે 165 કરોડની જોગવાઈ
  • કતારગામ ઝોનમાં નવું ઓડિટોરિયમ બનાવાશે
  • સસ્ટેનેબિલિટી માટેના વિશિષ્ટ આયોજન માટે કેપિટલ બજેટના 10 ટકા જેટલી રકમનું આયોજન
  • નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર અંદાજિત કુલ 4613 કરોડના ખર્ચે આંતરમાળખાકીય સુવિધાઓ પુરી પાડવાનું આયોજન
  • આત્મનિર્ભરતાના પ્રયાસ રૂપે રેવેન્યુ આવકમાં પાછલા વર્ષની સરખામણીએ 366 કરોડના વધારા સાથે 5025 કરોડની આવકનો અંદાજ
  • 2023-24 માં સરકારી, અર્ધસરકારી તથા ખાનગી સંસ્થાને જમીન ફાળવણી સંદર્ભે 186 કરોડ આવકનો ટાર્ગેટ
  • સૌપ્રથમવાર ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું અમલીકરણ
  • ગ્રીન ક્રેડીટ પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવશે