January 6, 2025

DRDO બનાવી રહ્યું છે મિસાઈલોનો બાપ, સબમરીનથી પણ થઈ શકશે લોન્ચ K-5 મિસાઇલ

DRDO Upgrading Missile Power: ભારત સતત નવી મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. હવે ભારતીય નૌકાદળની જમીન પરથી અને ફાઈટર જેટથી લોન્ચ કરી શકાય તેવી મિસાઇલોને અપગ્રેડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મિસાઇલો જે સબમરીનમાંથી લોન્ચ કરી શકાય છે. ભારતીય નૌકાદળની સબમરીનમાં ફિટ કરી શકાય તેવી આગામી મિસાઈલ K સીરિઝની ન્યુક્લિયર બેલિસ્ટિક મિસાઈલ K-5 છે. આ સબમરીન લોંચ્ડ બેલિસ્ટિક મિસાઈલ (SLBM) છે.

આ મિસાઈલ દેશમાં જ વિકસિત કરવામાં આવી રહી છે. તેમાં 2000 કિલો વજનનું પરંપરાગત હોય કે ન્યુક્લિયર વોરહેડ લગાવી શકાય છે. હાલમાં તેની રેન્જ 5 થી 6 હજાર કિમી હોવાનું કહેવાય છે. પરંતુ, લાઇટ વેઇટ વોરહેડ સાથે તે 8 થી 9 હજાર કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઇલ ભારતીય સંરક્ષણ અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવી રહી છે.

જો આ મિસાઇલને ભારતીય દરિયાઈ વિસ્તાર (Indian Ocean Region – IOR)માં હાજર સબમરીનમાં લોન્ચ કરવામાં આવે તો ચીન અને પાકિસ્તાનના અનેક મહત્વના શહેરો ગણતરીની મિનિટમાં ખતમ થઈ શકે છે. આ મિસાઇલને હાલ તો અરિહંત ક્લાસ સબમરીન અને એસ-5 ક્લાસ સબમરીનમાં લગાવવામાં આવી શકે છે. ભવિષ્યમાં બાકીની સબમરીનમાં પણ લગાવવામાં આવી શકે છે.

એક સાથે અનેક ટાર્ગેટ પર કરી શકશે હુમલો
K-5 બેલેસ્ટિક મિસાઈલમાં રડાર ડિસેપ્શન ટેક્નોલોજી અને કાઉન્ટરમેઝર્સ પણ લગાવવામાં આવે તેવી આશા છે, જેથી દુશ્મનને ખબર ન પડે કે મિસાઈલ ક્યારે અને ક્યાંથી આવી રહી છે. આ ઉપરાંત તેમાં MIRV ટેક્નોલોજી પણ લગાવી શકાય છે, જેથી તેને એકસાથે ઘણી જગ્યાએ ટાર્ગેટ કરી શકાય.