September 20, 2024

માલગાડીના એન્જિનથી ખેંચવી પડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, રેલવેએ કરી ચોખવટ

Vande Bharat Express: નવી દિલ્હીથી બનારસ જતી વંદે ભારત એક્સપ્રેસ આજે સવારે ટેકનિકલ ખામીના કારણે ઇટાવાના ભરથાના રેલવે સ્ટેશન પાસે અટકી ગઈ હતી. વંદે ભારત એક્સપ્રેસના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો બેબાકળા થઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ટેકનિકલ ટીમે ખામી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા ન મળી.

બાદમાં, વંદે ભારત ટ્રેનને માલગાડીના એન્જિન દ્વારા ખેંચીને ભરથાના રેલવે સ્ટેશન પર લઈ જવામાં આવી હતી. આ દરમિયાન મુસાફરોએ ભરથાના રેલવે સ્ટેશન પર હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ રેલ્વે પ્રશાસને અયોધ્યા જતી શતાબ્દી એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસને રોકી અને તમામ 750 મુસાફરોને સ્થળાંતરિત કર્યા અને તમામને સુરક્ષિત કાનપુર પહોંચાડવામાં આવ્યા.

પ્રયાગરાજ રેલ્વે મંડળે કહી આ વાત
ત્યારબાદ, બનારસ જતા તમામ મુસાફરોને શ્રમિક શક્તિ એક્સપ્રેસ દ્વારા બનારસ લઈ જવામાં આવશે. પ્રયાગરાજ રેલવે મંડળના પ્રો. અમિત કુમાર સિંહે ફોન પર માહિતી આપતા જણાવ્યું કે બનારસ વંદે ભારત એક્સપ્રેસમાં 750 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. તમામને શતાબ્દી અને અયોધ્યા વંદે ભારતથી કાનપુર અને બાદમાં શ્રમ શક્તિ એક્સપ્રેસ દ્વારા બનારસ લઈ જવામાં આવશે.

એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતાં અટકી પડી હતી ટ્રેન
જો કે, નવી દિલ્હીથી બનારસ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એન્જિનમાં સવારે 9:15 વાગ્યની આસપાસ કોઈ ટેકનિકલ ખામી સર્જાતાં ઈટાવા ક્રોસ કર્યા બાદ ભરથાના રેલવે સ્ટેશન પાસે અટકી પડી હતી. જો કે, એન્જિનિયરે ટેકનિકલ ખરાબી ઠીક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયો. જેથી, ટ્રેનને ભરથાના રેલ્વે સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. ટેકનિકલ ટીમો કામ કરી રહી છે. મુસાફરોને સુરક્ષિત રીતે લઈ જવામાં આવી રહ્યા છે.