September 21, 2024

શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં બબાલ, વિદ્યાર્થિનીનાં પિતાએ થારથી ગેટ તોડ્યો

મિહિર સોની, અમદાવાદઃ બોપલમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ લીધું હતું. જુનિયર સિનિયરના અહંકારે શેલા ગામમાં આવેલી સ્કૂલને બાનમાં લીધી હતી. આ તકરારમાં વિદ્યાર્થિનીનાં પિતાએ ફિલ્મી સ્ટાઈલમાં થાર ગાડી ચલાવી સ્કૂલ ગેટ તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરી 3 આરોપીની ધરપકડ કરી છે.

શેલા ગામમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય તકરારે અહંકારનું સ્વરૂપ લીધું છે. બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ,ઘટનાની વાત કરીએ તો 7 સપ્ટેમ્બરે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ગણેશજીની સ્થાપના કરી હતી. ત્યારે ગણેશજીની મૂર્તિ પર રહેલા રેમ્પ પર કેટલાક વિદ્યાર્થીઓ ઉભા હતા. યશ પાનેરી નામના વિદ્યાર્થીએ ત્યાંથી હટી જવાનું કહ્યું પણ પ્રાચી નામની વિદ્યાર્થિની ત્યાંથી હટી નહીં. તેને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન પ્રાચીએ પિતા ગૌતમ પટેલને ફોન કરી જાણ કરી હતી. જેથી આરોપી ગૌતમ પટેલ ફિલ્મી હીરોની જેમ થાર ગાડી લઈ સ્કૂલે પહોંચ્યો હતો અને સ્કૂલ ગેટ તોડીને અંદર પ્રવેશ કરીને હાજર વિદ્યાર્થીઓ પર ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે એક વિદ્યાર્થી પર થાર ગાડીનું ટાયર ચડાવી દીધું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ મામલે પોલીસે આરોપી ગૌતમ પટેલની ધરપકડ કરી છે. જેણે થાર ગાડીથી વિદ્યાર્થીઓની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરી છે. બોપલ પોલીસે આ જૂથ અથડામણ કેસમાં બંને પક્ષની ક્રોસ ફરિયાદ લીધી છે. જેમાં આરોપી એવી વિદ્યાર્થિની પ્રાચી પટેલ અને તેનો ભાઈ ધૃવિલ પટેલ અન્ય મિત્ર રવિકુમાર ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલ સારવાર લઈ રહ્યા છે. પોલીસે ત્રણેય આરોપીને નજરકેદ રાખીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, આરોપી ગૌતમ પટેલ બોપલ ઘુમામાં રહે છે અને ખેડૂત હોવાની સાથે સાથે ચાર મોબાઈલની દુકાન ધરાવે છે. આરોપી થાર ગાડી અને વર્ના ગાડી લઈને સ્કૂલ પર આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

હાલમાં બોપલ પોલીસે વિદ્યાર્થીઓનાં જીવ જોખમમાં મૂકનારા આરોપી ગૌતમ પટેલ ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પીજીએમસી અભ્યાસ કરતા સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓના અહંકારે કોલેજ કેમ્પસમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.