December 19, 2024

સુરતની ઘટના મામલે કડક પગલાં લેવામાં આવશેઃ DGP વિકાસ સહાય

ગાંધીનગરઃ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં 16મીએ ઇદે મિલાદ અને ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ઉલ્લાસ સાથે વિસર્જનનો કાર્યકમ યોજવામાં આવે છે. વિસર્જન જગ્યાએ પોલીસ તહેનાત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન, ગણેશ સ્થાપના અને ઇદે મિલાદને ધ્યાને રાખીને ગત ચાર દિવસ પહેલાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ચાલુ વર્ષે રાજ્યમાં 93 હજાર ગણેશજીની સ્થાપના થઈ છે. જેમાં 73 હજાર ગણેશજીનું 17 તારીખે વિસર્જન થશે.પોલીસ અધિકારીઓનું સંકલન કરીને સૂચના આપી છે. છેલ્લા બે દિવસમાં બે બનાવો બન્યા છે. જેમાં એક બનાવ ખેડાના કઠલાલમાં અને બીજો સુરતમાં બન્યો છે. ત્યારે પોલીસે બંને ઘટનામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા છે.’

તેમણે કહ્યુ હતુ કે, ‘સુરતની ઘટના બનતા પોલીસ કમિશનર સહિત અન્ય અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તુરંત કાર્યવાહી કરી હતી. માહિતી પ્રમાણે સુરત શહેરની આ ઘટનામાં 6 બાળકો જુવેનાઇલ હતા. તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય અસામાજિક તત્વો 28ની અટકાયત કરીને પગલાં ભર્યા હતા.’

તેમણે ઉમેર્યું હતું કે, ‘ગુજરાત શાંતિ પ્રિય રાજ્ય છે. રાજ્યમાં શાંતિ પ્રિય લોકો તમામ તહેવારમાં સક્રિય રીતે જવાબદારી સમજીને પોલીસને સાથ આપીને તહેવાર ઉજવે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો શાંતિને ડહોળવાનો પ્રયાસ કરે છે. ગુજરાત પોલીસ આવા તત્વો સામે કડક પગલાં ભરશે. ગુજરાત પોલીસના વડા તરીકે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ન જળવાય તેની જવાબદારી પોલીસની છે. તે જવાબદારી અમે સ્વીકારી રહ્યા છીએ અમે સંપૂર્ણ કાર્યવાહી કરીશું.’

તેઓ કહે છે કે, ‘અમુક વખતે, અમુક જગ્યાએ પથ્થર મારવાની ઘટના બને છે. અસામાજિક તત્વો રાજ્યની શાંતિને વિપરીત અસર કરી રહ્યા છે તેવા તત્વો સામે કાયદાકીય રીતે કાર્યવાહી થશે. સાંજે ફરી એક વખત રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આગામી દિવસોમાં કડક વ્યવસ્થા ઉભી કરવાની સૂચના આપીશું. તમામ આરોપી સુરતના છે. વધુ તપાસ હાલ ચાલી રહી છે. ગણેશ ઉત્સવની તૈયારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. SRPની 30 કંપની તૈનાત કરી અલગ અલગ જિલ્લામાં મૂકવામાં આવી છે. જ્યારે સુરત શહેરમાં એડિશનલ SRP મોકલી છે.’