November 26, 2024

સુરત પથ્થરમારો: હર્ષ સંઘવીનું ટ્વીટ, ‘મેં વચન આપ્યું હતું તેમ સૂર્યોદય થાય તે પહેલાં…’

સુરત: દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોડી રાતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. જોકે સ્થિતિ વણસે તે પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોર્ચો સંભાળી લીધો હતો અને પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દીધો હતો તેમજ મોડી રાત સુધી હર્ષ સંઘવીએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસ કમિશનર સાથે મિટિંગ પણ કરી હતી.

મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ કોમી એખલાસ જળવાય રહે અને રાજ્યમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના મામલે પોલીસે 27 જેટલા લોકોની પણ ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. શાંતિ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સૈયદપુરા વિસ્તારમાં ગણેશપંડાલ પર પથ્થરમારા મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું છે. હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે, ‘ મેં વચન આપ્યું હતું તેમ, અમે સૂર્યોદય થાય તે પહેલાં પથ્થરબાજોને પકડી લીધા છે! 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. CCTV, વીડિયો વિઝ્યુઅલ, ડ્રોન વિઝ્યુઅલ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સનું કામ હજુ ચાલુ છે. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોને ઓળખવા અને સજા કરવા માટે આખી રાત કામ કરી રહી હતી અને હજુ પણ કામ કરી રહી છે.’

આ પણ વાંચો: વડોદરામાં 3 ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિ ખંડિત કરાઈ, આરોપીની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 27 લોકોની અટકાયત કરવામાં આવી છે