December 30, 2024

જમ્મુ-કાશ્મીરમાં પહેલી ચૂંટણી રેલીમાં અમિત શાહ ગર્જ્યા, કોંગ્રેસ-NC આતંકવાદનું શાસન પાછું લાવશે

Amit Shah First Rally in Jammu: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપ માટે ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું. જમ્મુમાં એક રેલીને સંબોધતા અમિત શાહે વિધાનસભા ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનું આશ્વાસન આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધતા શાહે આરોપ લગાવ્યો કે સરકારે કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો કર્યો હોવા છતાં તેઓ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરને આતંકવાદની આગમાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાહે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું, “આશ્વસ્ત રહો કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં ક્યારેય સરકાર બનાવી શકશે નહીં.”

ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું છે કે ભારતીય ધ્વજ અને બંધારણ હેઠળ યોજાનારી આ પ્રથમ ચૂંટણી છે અને તેથી આ એક ઐતિહાસિક અવસર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર જૂની સિસ્ટમ લાગુ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. શાહ 18 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા બે દિવસની મુલાકાતે જમ્મુમાં છે.

કોંગ્રેસ પહાડીઓ અને દલિતોનું અનામત છીનવવા માંગે છે- શાહ
રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગુર્જરો, પહાડીઓ, બકરવાલ અને દલિતોનું આરક્ષણ છીનવી લેવા માંગે છે. તેમણે કહ્યું, “રાહુલ બાબા ગમે તેટલી કોશિશ કરે, અમે તેમને ગુર્જર, પહાડી, બકરવાલ અને દલિતોના આરક્ષણને હાથ પણ નહી લગાડવા દઈએ. 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરની મહિલાઓને 70 વર્ષ બાદ અધિકાર મળ્યા છે. કોંગ્રેસ અને એનસી આ અધિકાર છીનવી લેવા માંગે છે.

Lok Sabha 2024 Amit Shah

પહેલીવાર એક જ ઝંડા નીચે ચૂંટણી – અમિત શાહ
તેમણે તેમના પ્રવાસના પ્રથમ દિવસે શુક્રવારે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો અને ચૂંટણી વ્યૂહરચના અંગે ચર્ચા કરવા માટે વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકોની અધ્યક્ષતા પણ કરી હતી. શનિવારે અહીં ભાજપના કાર્યકરોની રેલીમાં ગૃહમંત્રીએ કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરમાં આગામી ચૂંટણીઓ ઐતિહાસિક છે કારણ કે આઝાદી પછી પહેલીવાર આપણા રાષ્ટ્રીય ધ્વજ અને બંધારણ હેઠળ ચૂંટણીઓ યોજાઈ રહી છે. પહેલા બે ધ્વજ અને બે બંધારણ હતા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણી પાસે એક જ વડાપ્રધાન છે અને તે છે મોદીજી.