September 20, 2024

રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય, ગેમઝોનના નિયમોમાં મોટો ફેરફાર; જાણો તમામ માહિતી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમિંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી એરિયા અને શોપિંગ મોલ તેમજ શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમિંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રીએ આવા ગેમિંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.

ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે. તેમાં ગેમિંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે.

એટલું જ નહીં, સ્વતંત્ર ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે. ગેમિંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/બીયુ ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે. ૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઈ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે.

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્વની હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે.