January 15, 2025

રાજ્યમાં 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, અમદાવાદના આ શિક્ષક છવાઈ ગયા

મિહિર સોની, અમદાવાદઃ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારે 28 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કર્યા છે. જેમાંથી અમદાવાદના નવા વાડજમાં આવેલા નિર્માણ ગર્લ હાઇસ્કૂલનાં આચાર્ય લીલાબેન ચૌધરીને એવોર્ડ એનાયત કર્યો છે.

શિક્ષક લીલાબેન સાથે ન્યૂઝ કેપિટલની ટીમે વાતચીત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘સ્કૂલના ટ્રસ્ટી અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આભાર માનું છું. વર્ષ 1994થી 2005 સુધી શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી. તેમાં મારી ખંતપૂર્વક કામ કરવાની નિષ્ઠા, કર્મઠ કામગીરીએ ઈશ્વરે મને વર્ષ 2006માં આચાર્ય તરીકે કામ કરવાની તક પૂરી પાડી હતી. અમારી શાળાના વિસ્તારના ખૂબ જ જાણીતા રામદેવપીર ટેકરામાં વસવાટ કરતા શ્રમજીવી વાલીઓની દીકરીઓ અમારી શાળામાં અભ્યાસ કરે છે.આ દીકરીઓના જીવન કેડી કંડારવાનું સૌભાગ્ય મને મળ્યું છે. ત્યારથી એક આચાર્ય તરીકે મેં બાળકોના અભ્યાસમાં વ્યક્તિગત રસ લઈ સારામાં સારું શિક્ષણ અને ઉચ્ચ પ્રકારના મૂલ્યો સંસ્કારોનું સિંચન થાય તેવા સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. આ સાથે બોર્ડની પરીક્ષામાં સારા ગુણ/ટકાએથી પાસ થાય અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે સઘન પ્રયત્નો હાથ ધર્યા છે.’

તેઓ આગળ કહે છે કે, ‘મારા ગણિત વિષયમાં દર વર્ષે અમુક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ મેળવે છે. બાળકોને 99 માર્ક સુધી પણ પહોંચાડ્યાં છે. આમ શાળામાં પણ શૈક્ષણિક કાર્ય સારામાં સારું કરવાનો ખૂબ જ રસ લઈ કામ કરવાનો હું ગૌરવ લઉં છું. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે. Holistic development પર પ્રયત્ન અમે વર્ષોથી કામ કરીએ છીએ. જેના લીધે બાળકોની પર્સનાલિટી ખીલે, રમતગમતમાં યોગદાન વધે, કલ્પનાશક્તિ વધે.’

તેઓ કહે છે કે, ‘આધુનિક સમયમાં શિક્ષણના નવા પડકારો જે છે. તેના લીધે શાળામાં મેં skill પર, ભારતીયતા પર, મૂલ્યો પર ભાર મૂક્યો છે અને તે માટે દર વર્ષે બ્રહ્માકુમારી સંસ્થા અને શાળાના સંયુક્ત રીતે ધોરણ નવના બાળકોને સંસ્કાર સિંચન અને નૈતિક મૂલ્યોના વિકાસ માટે Touch the light પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેમાં મૂલ્ય આધારિત શિક્ષા ,એક્ટિવિટી આધારિત ક્લાસ ,પ્રેરક વાર્તાલાપ, ઇન્ટ્રેક્ટિવ સત્રો વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રવચન આપવામાં આવે છે. તેમજ Art & culture wing અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થા તથા શાળાના સંયુક્ત રીતે શાળામાં પ્રેમ શાંતિ અને સદભાવના માટેનો પ્રોજેક્ટ અમલ કર્યો છે. આ વર્કશોપમાં વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે. હું પોતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઓનલાઈન વર્ગમાં જોડાઈ છું. તે મેળવેલ ગીતાનું જ્ઞાન મારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનામાં ગીતાના બારમાં અધ્યાયના શ્લોકનું પઠન કરાવું છું. અપવ્યય ન થાય અને બેટી બચાવો બેટી પઢાવો તે હેતુસર દરેક દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે સતત વાલી સંપર્ક કરતા રહ્યા છીએ. નિયમિત આવતા વિદ્યાર્થીનીઓને ત્રણ તાળીનું બહુમાન વર્ગમાં આપી નવાજવાની શરૂઆત કરી. પરિણામે બાળકોની હાજરીનું પ્રમાણ વધ્યું છે. જેમાં પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અભિગમ અપનાવ્યો છે.’