January 2, 2025

ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજની રામ ગઢવી અને કીર્તિ પટેલ વિરુદ્ધ કલેકટરને રજૂઆત

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: સરખેજ ભારતી આશ્રમમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ચાલી રહેલો વિવાદ દિવસેને દિવસે વધુને વધુ આગ પકડી રહ્યો છે. ત્યારે, ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રામ ગઢવી અને કીર્તિ પટેલ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આવી વ્યક્તિઓ મહામંડલેશ્વર વિરુદ્ધ આપત્તિજનક ભાષા અને ટિપ્પણી કરે તે યોગ્ય નથી. ગીર સોમનાથ સમસ્ત કોળી સમાજ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

સરખેજ આશ્રમમાં ગુરુ અને શિષ્ય વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે અને આશ્રમનો કબજો મેળવ્યા બાદ મહંત હરિહરાનંદ ભારતી હાલ સરખેજ ભારતીય આશ્રમમાં જોવા મળે છે. ત્યારે તેમની વચ્ચે કેટલાક દિવસ પૂર્વે આશ્રમના મેનેજર રામ ગઢવી જેઓ બિન સચિવાલય પેપર લીકના આરોપી છે અને કીર્તિ પટેલ નામની મહિલાએ આશ્રમમાં મહંત ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીના રહેણાંક રૂમમાં જઈને જે રીતે આપત્તિજનક ટિપ્પણી અને વક્તવ્ય આપ્યું છે તેમની વિરુદ્ધ હવે સમસ્ત ગીર સોમનાથ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કીર્તિ પટેલ અને બિન સચિવાલય પેપર લીકના આરોપી રામ ગઢવી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આવા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે, પાછલા ત્રણ ચાર દિવસથી ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી અને તેમના શિષ્યો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજીને લઈને વિવાદ ચાલી રહ્યો છે પહેલા હરિહરાનંદ ભારતી સરખેજ ભારતી આશ્રમમાં બાઉસરો સાથે કબજો મેળવ્યો છે. ત્યારબાદ, વિશ્વેશ્વરી ભારતી માતાજી અને ઋષિ ભારતીને તેમના શિષ્ય પદેથી પણ હાકલપટ્ટી કરી છે અને ત્યારબાદ કીર્તિ પટેલ અને રામ ગઢવી દ્વારા જે રીતે વિશ્વેશ્વરી ભારતી માતાજી અને ઋષિ ભારતી સામે સોશિયલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણીઓ અને વક્તવ્યો આપ્યા છે તેને ખૂબ જ ખેદજનક ગણીને ગીર સોમનાથ જિલ્લા કોળી સમાજ દ્વારા આ બંને વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સમગ્ર સમાજ વતી રોશ પણ વ્યક્ત કર્યો છે.