December 19, 2024

Kutch : 4.7ની તીવ્રતાના ભૂકંપથી ધરા ફરી ધૂણી

કચ્છ જિલ્લામાં 28 જાન્યુઆરીએ ફરી ધારા ધ્રુજી હતી. જિલ્લામાં સાંજે 4:44 વાગ્યે 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકો ભયના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર નોંધાયું છે. આથી કચ્છના ભચાઉ, નેર કડોલ, બંધડી વગેરે ગામોમાં ભારે આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી સમગ્ર જિલ્લામાં તેની અસર જોવા મળી હતી.

ભૂકંપની તીવ્રતા વધુ
રવિવારે આવેલા ભૂકંપની તીવ્રતા 4.7ની હોવાથી કચ્છ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી હતી.પૂર્વ-પશ્ચિમ કચ્છ ઉપરાંત ભચાઉ, મોરબી, માળિયા અને વાંકાનેરમાં પણ ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં આ પહેલા 6 જાન્યુઆરીએ પણ 4.1નો તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં ભૂકંપ આવવાની સંખ્યામાં થયો વધારો
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય છે. આથી ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી જિલ્લામાં ઘણીવાર ભૂકંપ અનુભવાતા રહે છે. વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ બાદ રાજ્યમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. 2022માં 4થી વધુ તીવ્રતાનો માત્ર તાલાલામાં નોંધાયો હતો. 2023માં ગુજરાતમાં 4.0થી વધુ તીવ્રતાના 4 ભૂકંપો આવ્યા છે. 2021માં 4.0ની તીવ્રતાના 7 ભૂકંપો નોંધાયા હતા.

ઉત્તર ભારતમાં પણ આંચકાઓની સંખ્યા વધી
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી-એનસીઆર, પંજાબ સહિત ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવવાની સંખ્યામાં વધારો થયો છે. મોટા ભાગના ભૂકંપનું કેન્દ્રબિંદૂ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જોવા મળ્યા છે. હિંદુકુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 નોંધાઈ હતી.