December 23, 2024

10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ, આ મહિને 3 રાઉન્ડમાં મેઘરાજા ધમરોળશે

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આખા સપ્ટેમ્બર મહિના દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે. 10 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે.

10 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. 13થી 20 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 22થી 25 સપ્ટેમ્બર સુધી વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. 26થી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે ગાજવીજ સાથે વરસાદનો ચોથો રાઉન્ડ રહેશે. ત્યારબાદ વરસાદ રાજ્યમાં વિદાય લે તેવી શક્યતાઓ છે.

ભરૂચના વાલિયામાં આભ ફાટ્યું
ગુજરાત માથે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. તેમજ નદી-નાળાં છલોછલ થયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં ડૂબી જતા લોકો ઘરમાં જ કેદ થયા હતા.