December 23, 2024

બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પાલનપુરમાં બે કલાકમાં 3 ઇંચ

બનાસકાંઠાઃ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદી-નાળા છલકાઈ ગયા છે. ભારે વરસાદ પડતા ઉમરદસી નદીમાં નવા નીર આવ્યાં છે. વાસણ નજીકથી પસાર થતી ઉમરદસી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદીમાં પાણી આવતા પાલનપુર પંથકમાં પાણીના તળ ઉંચા આવશે. ઉમરદસી નદીમાં પાણી આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી છવાઈ છે.

તો બીજી તરફ, જિલ્લાના ડીસા તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સરકારી કચેરીઓમાં પાણી ભરાતા દીવા તળે અંધારા જેવી સ્થિતિ પેદા થઈ છે. મામલતદાર કચેરી, જન સેવા કેન્દ્ર, તાલુકા પંચાયત, BRC ભવન, પશુપાલન ઓફિસ, સબ રજિસ્ટર સહિતની કચેરીઓ આગળ પાણી ભરાયા છે. તેને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની બેટિંગ યથાવત છે. પાલનપુર-અંબાજી હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

પાલનપુરમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ જળમગ્ન થયા છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર વરસાદી પાણી ભરાયા છે. ગઠામણ પાટિયા પાસે પાણી ભરાતા 10 ગામ સંપર્કવિહોણા બન્યા છે. ગઠામણ પાટીયા વિસ્તારની પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે.

પાલનપુર જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલનપુરના ગઠામણ પાટિયા નજીક પણ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.

આ ઉપરાંત ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે.