December 17, 2024

નદીના પુરને કારણે બાગાયતી પાકોને નુકસાન, ખેડૂતોની સ્થિતિ કફોડી

જીગર નાયક, નવસારી: બાગાયતી પાકો એ નવસારી જિલ્લા ની ઓળખ છે જેમાં ગણદેવી તાલુકા એ બાગાયતનો બગીચો તરીકે વખણાય છે. ગણદેવીના અમલસાડી ચીકુનુ દેશમાં ઉતર ભારતમાં ખુબ માંગ છે. હજારો ટન ચીકુ ટ્રેન મારફતે સપલાઈ કરવામાં આવે છે, પરંતુ ત્રણ વખત અંબિકા નદીના પુરના કારણે વાડીઓમાં પાણી ભરાઈ જતાં ફલાવરિંગ આવ્યું નથી જે ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે.

બાગાયતી પાક એ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સધ્ધરતાની નિશાની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં ફેરફારોના કારણે પાક ઓછો ઉતરી રહ્યો છે. સાથે સાથે હાલમાં જ નવસારી જિલ્લામાં અંબિકા નદીના કારણે ગણદેવી તાલુકામાં ચાર વખત પુરની સ્થિતિ નિર્માણ પામી છે, જેમાં ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિના કારણે ચીકુના પાક પર ફૂલ આવ્યા નથી, જેના કારણે ફળ બેસવાની શક્યતાઓ નહીંવત છે. દર વર્ષે દિવાળીથી શરુ થતો પાક ફૂલ ન આવવાના કારણે દિવાળી પર ખેડૂતોને મળવાનો નથી. સારા ભાવો મળે તેવા સમયે પાક ન મળવાની સ્થિતિને કારણે ખેડૂતોએ ખોટ સહન કરવાનો વારો આવવાનો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગના કારણે બાગાયતી પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે તેની સામે કુદરતી હોનારતના કારણે પણ ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે, બીજી બાજુ, સરકાર સહાય આપે તેવી માંગ દેવધા ગામના ખેડૂતો કરી રહ્યા છે. દેવધા ગામમાં એક સાથે 300 વીઘા જમીનમાં ચીકુના પાક પર ફૂલ ન આવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બને તેવા સંજોગો ઉભા થયા છે.

ગુજરાતમાં પાક નુકસાની વખતે 33% નુકસાની વાળા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે, એમાં પણ કુદરતી હોનારતથી 33% નુકસાન થયું હોય તેવા ખેડૂતોને નુકસાનની ભરપાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમાં માટેનું સર્વે કરવામાં પણ આવે છે, પરંતુ નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં બાગાયતી પાકોને કુદરતી વાતાવરણના કારણે નુકસાનીનું વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ નથી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને વાવાઝોડું તેમજ અન્ય કુદરતી આફતોના કારણે મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી બાગાયતી પાકોને પણ નુકસાનીના દાયરામાં લઈ લેવા માટે વિનંતી કરવામાં આવી છે, પરંતુ આજ સુધી સ્વીકારવામાં આવી નથી. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, કુદરતી નુકસાન વખતે બાગાયતી પાકોને પણ પાક વીમા યોજના તથા રાજ્ય સરકારની નુકસાની યોજનાઓમાં વણી લેવામાં આવે તેવી માંગ ઘણા સમયથી કરી રહ્યા છે, પરંતુ માંગ સંતોષાય નથી જેને લઇને ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Horticultural crops damaged, River Flooding, Farmers worsened, Navsari, Rain, Gujarat Rain