January 6, 2025

રાજ્યના રેસિડેન્ટ તબીબો સરકારથી નારાજ, આવતીકાલથી હડતાળ પર જશે

બી.જે.મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબો વધુ એકવાર હડતાલ પર ઊતરવાની તૈયારીમાં (ફાઈલ ફોટો)

અમદાવાદ: કોલકાતામાં જુનિયર ડોક્ટર પર રેપ-મર્ડર કેસના વિરોધમાં હડતાલ પર ઊતરેલા બી.જે.મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબો વધુ એકવાર હડતાલ પર ઊતરવાની તૈયારી કરી છે. બીજે મેડિકલના રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડ મામલે સોમવારથી હડતાલ પર ઊતરશે. આ હડતાલ દરમિયાન ઈમર્જન્સી સેવાઓ પણ બંધ રહેશે.

સ્ટાઈપેન્ડમાં જે વધારો થયો છે તે ઓછો મળતા તબીબો સરકારથી નારાજ છે અને આથી રાજ્યના રેસિડેન્ટ તબીબો હડતાળ પર જવાના છે. તમને જણાવી દઈએ કે, પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડ વધારો 40% ના બદલે 20% થતા તબીબો રાજ્ય સરકારથી નારાજ છે. આથી અમદાવાદની બી.જે. મેડિકલ સહિત રાજ્યના કુલ 8 હજાર તબીબો હડતાળ પર જશે. જેની સીધી અસર ઈમર્જન્સી સેવાઓ પર પડી શકે છે.

આ પણ વાંચો: અમેરિકાની કોર્ટે આ ભારતીય IT Company પર લગાવ્યો 800 કરોડનો દંડ, સામે આવ્યું કારણ

હડતાળ પર જતા જુનિયર ડોકટર એસોસીએશન વાઇસ પ્રેસિડેન્ટ શશાંક આસરાએ કહ્યું કે, અમે વારંવાર રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરી છે છતાં અમારી માંગ પૂરી નથી થઈ, દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું છે અને તેમાં પણ 20% ઓછું આપ્યું છે. જ્યાં સુધી અમારી માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે.

જુનિયર ડોકટર એસોસીએશન વાઇસ પ્રેસિડેન્ટ શશાંક આસરાએ વધુમાં રેસિડન્ટ તબીબોએ જણાવ્યું કે, અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આવતીકાલથી અમે હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઇમરજન્સી સેવાથી અળગા રહીને અમારો વિરોધ નોંધાવીશું.