January 16, 2025

GDP ગ્રોથમાં ઘટાડો: એપ્રિલ-જૂન 2024માં અર્થવ્યવસ્થા ધીમી પડી

India Gdp Growth Rate: દેશની અર્થવ્યવસ્થા માટે માઠા સમાચાર. ભારતનો જીડીપી ગ્રોથ ઘટ્યો છે. ભારતનો જીડીપી ગ્રોથ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં સૌથી નીચો રહ્યો છે. એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટીને 6.7% થયો છે. ગયા નાણાકીય વર્ષના આ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 8.2 ટકા હતો.

નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 6.7% વધવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.2% નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોમિનલ જીડીપી 9.7% જોવા મળી. જ્યારે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.5%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક GVA 6.8% વધ્યો છે, જ્યારે ગત નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 8.3% નો વધારો થયો હતો.

MoSPI ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર ઘટીને 6.7% થયો છે. અર્થશાસ્ત્રીઓને અપેક્ષા હતી કે લોકસભાની ચૂંટણી પછી સરકારી ખર્ચમાં મંદીને કારણે ભારતીય અર્થતંત્રનો વિકાસ ધીમો પડશે. બીજી બાજુ, નિષ્ણાતો કહે છે કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ટેગ જાળવી રાખશે.

મૂડીઝે શું લગાવ્યું અનુમાન?
એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરના જીડીપી ડેટા પહેલા, મૂડીઝે ભારત માટે તેના જીડીપી વૃદ્ધિ અનુમાનને સુધાર્યું હતું. મૂડીઝ રેટિંગ્સ અનુસાર, ભારતનો જીડીપી કેલેન્ડર વર્ષ 2024માં 7.2% અને કેલેન્ડર વર્ષ 2025માં 6.6%ના દરે વધવાની ધારણા છે. રેટિંગ એજન્સી ભારતીય અર્થતંત્ર માટે મજબૂત વ્યાપક-આધારિત વૃદ્ધિ જુએ છે. FY25 માટે ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 7% અને 7.2% ની વચ્ચે રહેશે.