December 23, 2024

આસામ વિધાનસભામાં 2 કલાકનો જુમ્મા બ્રેક નાબૂદ કર્યો, CM હિમંતાએ આભાર વ્યક્ત કર્યો

Jumma Break: આસામ વિધાનસભાએ એક મહત્વપૂર્ણ પગલું ભરતા સત્તાવાર રીતે બે કલાકના જુમ્મા બ્રેકને નાબૂદ કરી દીધો છે. ઐતિહાસિક રીતે, શુક્રવારે ઉજવવામાં આવતો આ બ્રેક સૌપ્રથમ 1937માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. શુક્રવારે (30 ઓગસ્ટ) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ ઐતિહાસિક નિર્ણય માટે આભાર વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં, તેમણે કાર્યક્ષમતા અને પ્રગતિને પ્રાથમિકતા આપવા માટે સ્પીકર બિશ્વજિત ડેમરી અને ધારાસભ્યોની પ્રશંસા કરી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “2 કલાકના જુમ્મા વિરામને દૂર કરીને, આસામ વિધાનસભાએ ઉત્પાદકતાને પ્રાથમિકતા આપી છે અને વસાહતી બોજના એક વધુ નિશાનને હટાવી દીધો છે. સીએમ શર્માએ વધુમાં કહ્યું કે, “આ પ્રથા 1937માં મુસ્લિમ લીગના સૈયદ સદુલ્લાએ શરૂ કરી હતી. હું આ ઐતિહાસિક નિર્ણય માટે સ્પીકર બિશ્વજીત દૈમરી અને અમારા ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરું છું.”

મુસ્લિમ લગ્ન અને તલાક સાથે સંબંધિત બિલ પણ પસાર થયું
નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે આસામ વિધાનસભાએ પણ મુસ્લિમોના લગ્નની નોંધણી અને છૂટાછેડાના કાયદાને રદ્દ કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી જોગેન મોહને આસામ મુસ્લિમ લગ્ન અને તલાક નોંધણી અધિનિયમ, 1935 અને આસામ રદબાતલ વટહુકમ 2024ને રદ કરવા માટે 22 ઓગસ્ટના રોજ આસામ રિપીલ બિલ, 2024 રજૂ કર્યું હતું.

‘કાઝી પ્રથાને પણ ખતમ કરવા માંગીએ છીએ’
આ અંગે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર બાળ લગ્નને ખતમ કરવાનો નથી, પરંતુ કાઝી પ્રથાને પણ ખતમ કરવાનો છે. અમે મુસ્લિમ લગ્નો અને તલાકની નોંધણીને સરકારી સિસ્ટમ હેઠળ લાવવા માંગીએ છીએ.” તેમણે કહ્યું કે તમામ લગ્નની નોંધણી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કરવાની હોય છે, પરંતુ રાજ્ય આ હેતુ માટે કાઝી જેવી ખાનગી સંસ્થાને સમર્થન આપી શકે નહીં.