September 20, 2024

દ્વારકામાં વરસાદથી તારાજી, જામરાવલમાં ઘૂંટણસમા પાણી, કલ્યાણપુરમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જુ છે. વરસાદના પાણી લોકોનાં ઘરમાં ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જામરાવલમાં ઠેર ઠેર ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે.

કલ્યાણપુરમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં ચાર લોકો ફસાયા હતા. વહેલી સવારે 6.45 મિનિટે હેલિકોપ્ટર દ્વાર ચારેય લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ખંભાળિયામાં વરસાદી આફત આકાશમાંથી વરસી રહી છે. તેને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. તંત્રએ આ વિસ્તારમાંથી 96 લોકોનું સ્થળાંતર કરી શેલ્ટરહોમ ખસેડ્યાં છે. કબ્રસ્તાન નજીક KGN સોસાયટીમાં પાણી ભરાયું હતું. દ્વારકા જિલ્લામાં આર્મીના 70 જવાનોની એક ટુકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ખંભાળિયાના કેશોદ ગામે ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં પાણીના પૂરમાં એક યુવાન ફસાયો હતો. સ્થાનિકો દ્વારા દોરી વડે આ યુવાનનું રેસ્ક્યૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે આભ ફાટ્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે.

આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘરવખરી સહિત સરસામાન પલળી ગયો હતો. તો અમુક જગ્યાએ ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે NDRFની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.