September 20, 2024

ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં યુવતીના આપઘાત મામલે PI બીકે ખાચરની ધરપકડ

અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં યુવતીના આપઘાત મામલે પીઆઈ બીકે ખાચરની ધરપકડ કરવામાં આવી છે. યુવતી પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ પીઆઈ બીકે ખાચર પર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ બીકે ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે બીકે ખાચરની જામીન અરજી ફગાવી દીધી હતી.

ફરાર પીઆઈ 120 દિવસે હાજર થયા હતા
આ કેસમાં PI ખાચર 120 દિવસથી ફરાર હતા. જો કે, કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કરી પોલીસ સમક્ષ હજાર થવાની સૂચના આપીને આગામી 18મી તારીખે સુનાવણી હોવાથી ત્યાં સુધી ધરપકડ ન કરવાની સૂચના આપી હતી. જેથી પીઆઇ બીકે ખાચર શનિવારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં એસીપીએ તેમની આઠ કલાક પૂછપરછ કરવાની સાથે પીઆઇ પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

મૃતકની બહેને ફરિયાદ નોંધાવી હતી
આ અંગે તપાસ કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક ડોક્ટરની બહેન કિંજલે પીઆઇ બીકે ખાચર સામે IPC કલમ 306 હેઠળ ગુનો નોંધવા માટે ફરિયાદ આપી હતી. આ સંદર્ભે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો છે. હવે આગળની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં મળી આવેલી સુસાઇડ નોટ અને ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?
32 વર્ષીય મહિલા ડોક્ટર મૂળ મહીસાગરના હતાં. તેઓ અમદાવાદના સેટેલાઈટમાં પેઈંગ ગેસ્ટ (PG)માં રહીને નવા વાડજની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતાં. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં મૂકેલા બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો હતો, તેમજ સુસાઇડ નોટ મૂકી હતી.