December 23, 2024

વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર, અનેક વિસ્તારમાં પાણી ઘૂસ્યાં

વડોદરાઃ ગઈકાલથી સતત મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 9 ઇંચ તો પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેને કારણે સમગ્ર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વડોદરામાં શહેર વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠામાં ઘૂસ્યા છે. પરશુરામ ભઠ્ઠાના મકાનોમાં 4થી 5 ફૂટ પાણી ભરાયા છે. ગઈકાલે પણ તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. તેને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

તો બીજી તરફ, શહેરના અકોટા વિસ્તારના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીના પાણી અકોટા સહિતના વિસ્તારોમાં પ્રવેશ્યા છે. મુખ્ય રસ્તા પર પાણીના કારણે લોકો અટવાયા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

વિશ્વામિત્રી નદીએ વડોદરાવાસીઓની ચિંતા વધારી છે. વહેલી સવારે વિશ્વામિત્રી નદી પહોંચી 32.5 ફૂટ પહોંચી ગઈ છે. વહેલી સવારે ભયજનક સપાટીથી 6 ફૂટ ઉપર પહોંચી છે. ગઈકાલે જ નદીએ ભયજનક સપાટી વટાવી હતી.

પાદરામાં 12 ઈંચ ખાબક્યો વરસાદ છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વુડાના હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાણી ઘૂસ્યા છે. મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ વરસતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.