વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ, કલેક્ટરે કહ્યું – સ્થાળાંતરની તૈયારી ચાલુ
વડોદરાઃ શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ‘હાલમાં જ વિશ્વામિત્રી નદીએ ભયજનક લેવલ વટાવ્યું છે. 2 કલાકમાં હજુ લેવલ વધે તેવી શક્યતાઓ છે. નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળે ખસી જવું જોઈએ. સલામતીનાં પગલાં લેવા અનિવાર્ય છે. સ્થળાંતર માટે બસની પણ વ્યવસ્થા કરેલી છે.’
ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
વડોદરામાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્તની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે વડોદરામાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ વચ્ચે વડોદરાના મેયરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ભારે વરસાદને કારણે પૂરનું સંકટ પણ વધ્યું છે. જેને કારણે વડોદરાના મેયર ખુદ જાહેર જનતાને સમજાવવા નીકળ્યા હતા. મેયર પિન્કીબેન સોનીએ પોતે એનાઉન્સમેન્ટ કર્યું છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા મેયરે અપીલ કરી છે. લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે.
આ પણ વાંચો: મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો, લોકોને ઘરની બહાર ન નીકળવા કરાઈ અપીલ
નોંધનીય છે કે ભાર વરસાદને લઈને રાજ્યભરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વચ્ચે ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા . વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઠેર ઠેર વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણ લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.