ભરૂચમાં ભારે વરસાદ, હાઇવે પર ટ્રાફિકજામ; સમગ્ર જિલ્લામાં એલર્ટ
ભરૂચઃ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામ થયો છે. નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં ભારે ટ્રાફિકજામ થયો છે. 11 કિલોમીટરથી વધુ લાંબી વાહનનો કતારો જામી છે. ત્યારે વાહનચાલકોએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો છે.
ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યુ છે કે, ‘નર્મદા નદી 24 ફૂટને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો થયો છે. જિલ્લામાંથી અત્યારસુધી જિલ્લામાંથી 280 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ બે દિવસ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.’
નર્મદાનું જળસ્તર વધ્યું
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થવા પામ્યો છે. નદીનું જળસ્તર ભયજનક સપાટી 24 ફૂટને સ્પર્શયું છે. નીચાણવાળા ગામના લોકોને એલર્ટ અપાયું છે. ભરૂચ જિલ્લાના 48 ગામોમાં એલર્ટ અપાયું છે. અંકલેશ્વરના 15, ભરૂચના 14 અને ઝઘડિયાના 19 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ એલર્ટ
ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. અમરાવતી નદીમાં કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. અમરાવતી નદી બે કાંઠે વહેતા અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં અસર થઈ છે. અમરતપુરા અને ઉછાલી સહીત ગામ સહિતના ગામોમાં નદીના પાણીની અસર થઈ છે.