December 17, 2024

આજે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ, લાખો ભક્તો દ્વારિકા પહોંચ્યા

દેવભૂમિ દ્વારકા: ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવાની તૈયારી અનેરો થનગનાટ ભગવાનના ભક્તોમાં જોવા મળી રહ્યો છે. દરેક રાજ્યમાંથી, દેશમાંથી, વિદેશમાંથી લાખો ભક્તો દ્વારિકા પહોંચી ગયા છે. આજે વહેલી સવારે ચારને પાંચ વાગ્યાથી લાઈનોમાં ઊભા રહી ભગવાનની એક ઝલક જોવા માટે તરસી રહ્યા છે અને ઉમંગ અને ઉલ્લાસથી ભગવાન કૃષ્ણ કનૈયા અને દ્વારકાધીશનો જય જયકાર બોલાવી રહ્યા છે.

ભક્તો ગોમતીમાં સ્નાન કરી 56 સીડી ચડી 52 ગજની ધજાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વહીવટ તંત્રને પોલીસની સુંદર વ્યવસ્થા અને કામગીરીને કારણે ભક્તોને આરામથી દર્શન થઇ રહ્યા છે. સવારે મંગલા આરતી અને પછી ત્યારબાદ ભગવાનને ખુલ્લા પરદે સ્નાનના દર્શન કરી ભક્ત ધન્યતા અનુભવી રહ્યા છે.

યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી ભક્તો વ્હાલાના વધામણાં માટે દર્શને પહોંચ્યા છે. યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી કરાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. આજે દિવસ દરમિયાન હજારો ભક્તો શામળિયાના દર્શન કરશે. ત્યા જ ભગવાનના જન્મોત્સવને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.