September 20, 2024

અમદાવાદમાં બન્યું અનોખું હનુમાનજીનું મંદિર, વિશ્રામ કરતી મુદ્રામાં થશે દર્શન

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના રાચરડામાં પવનપુત્ર હનુમાનજીની વિશ્રામ કરતા હોય તેવી મુદ્રામાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના જાણીતા ડોકટર પ્રવીણ ગર્ગ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો-મહંતો સહિત નીમ કરોલી બાબાના પૌત્ર ઊપસ્થિત રહ્યા હતા.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે, ‘નીમ કરૌલી બાબા તેમના સપનામાં આવ્યા હતા અને અહીં આ સ્થાન પર હનુમાન મંદિર બનાવવા આદેશ કર્યો હતો અને ખૂબ જ ટૂંકા ગાળામાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. મંદિરમાં સ્થાપિત મૂર્તિની વિશેષતાની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી તૈયાર કરાયેલા હનુમાન દાદાની 6 ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી અને 2 ટન વજન ધરાવતી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ માત્ર ચાર મહિનાના ટુંકાગાળામાં તૈયાર થયું છે.’

સામાન્ય રીતે સૂતેલા હનુમાનનું મંદિર દેશમાં 4 જ સ્થાન પર છે. જેમાં હવે આ મંદિરનો સમાવેશ થયો છે. મૂર્તિ તૈયાર કરવામાં પણ 2 મહિનાથી વધુ સમય લાગ્યો છે. ડો. પ્રવિણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, થોડા મહિના અગાઉ કૈચી ધામના નીમ કરૌલી બાબાએ તેમને સપનામાં આવીને દર્શન આપ્યા હતા. તેમણે સપનામાં આવી અને અમદાવાદમાં વિશ્રામ કરતા હનુમાન દાદાની મૂર્તિવાળું મંદિર બનાવવા જણાવ્યું હતું. પાતાળ લોકમાં હનુમાનજીએ અહીરાવણનો વધ કરી રામ-લક્ષ્મણને કેદમાંથી મુક્ત કરાવી વિશ્રામ કર્યો હતો તે થીમ પર મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે મકરધ્વજની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બાબાના અનુયાયીઓ તેમને હનુમાનજીનો અવતાર માને છે. અનુયાયીઓમાં ક્રિકેટર વિરાટ કોહલી, અનુષ્કા શર્મા અને મનોજ જોશી અને એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ પણ સામેલ છે.