December 24, 2024

બાંગ્લાદેશના આ સ્ટાર ખેલાડી હત્યા કેસમાં ફસાયા, FIR નોંધાઈ

Shakib Al Hasan: શાકિબ અલ હસન બાંગ્લાદેશનો પ્રખ્યાત ક્રિકેટર છે. તેણે બાંગ્લાદેશ ટીમ માટે ઘણી મેચ પોતાના દમ પર જીતાડી છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 704 વિકેટ નોંધાયેલી છે. મીડિયા અહેવાલમાં આપવામાં આવેલ માહિતી મુજબ હવે તેના પર ઓગસ્ટની શરૂઆતમાં બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હત્યાના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે. ઢાકા પોલીસ સ્ટેશનના અધિકારીએ કેસ નોંધ્યો છે.

પાકિસ્તાન સામે ટેસ્ટ રમી રહ્યો છે
વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશમાં અનામતને લઈને ભારે વિરોધ કર્યો હતો. આ પછી વડાપ્રધાન શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભારત જતા રહ્યા હતા. આ પછી મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા બન્યા હતા. બાંગ્લાદેશમાં એક મહિના પહેલા અવામી લીગની સરકાર હતી. સ્ટાર ઓલરાઉન્ડર હોવા ઉપરાંત શાકિબ અવામી લીગનો સાંસદ છે. તેઓ પોતાના વતન મગુરાથી ચૂંટણી જીતીને આ વર્ષે જાન્યુઆરીમાં સંસદ પહોંચ્યા હતા. હાલમાં તે પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

આ પણ વાંચો: ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધી 31 મેડલ જીત્યાં, આ વખતે કઈ રમતમાંથી વધુ આશા?

હત્યાનો કેસ નોંધવામાં આવ્યો
મીડિયા રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર, FIRમાં શાકિબ અલ હસન 27મો કે 28મો આરોપી છે. શાકિબ અલ હસન એ 147 લોકોમાં સામેલ છે જેમની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતક મોહમ્મદ રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. રુબેલ ગોળીબારમાં ઘાયલ થયો હતો અને બે દિવસ પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. હસીનાના રાજીનામા તરફ વિરોધ પ્રદર્શન દરમિયાન 5 ઓગસ્ટના રોજ અથવા કોઈપણ સમયે શાકિબ બાંગ્લાદેશમાં ન હતો. તે સમયે તે કેનેડામાં હતો અને ગ્લોબલ T20 કેનેડા લીગમાં બાંગ્લા ટાઈગર્સ મિસીસૌગાનું નેતૃત્વ કરી રહ્યો હતો. એ પહેલાની વાત કરવામાં આવે તો તે અમેરિકામાં હતો, જ્યાં તેણે મેજર ક્રિકેટ લીગમાં ભાગ લીધો હતો.