December 28, 2024

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ, નર્મદા-સુરત જિલ્લામાં મેઘમહેર

અમદાવાદઃ રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ પડી રહ્યો છે.

નર્મદામાં 10 દિવસ બાદ વરસાદી માહોલ છવાયો
નર્મદામાં 10 દિવસના વિરામ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સવારથી વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું. વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી છે. વાવણી કરેલી ખેતીને વરસાદ વરસતા જીવનદાન મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર હીલ સ્ટેશનમાં ફેરવાયું છે. અહીં આવતા પ્રવાસીઓને સાપુતારાનો અનુભવ થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પણ આહ્લાદક દૃશ્યો સર્જાયા છે. હાલ પણ નર્મદા ડેમના 5 ગેટ ખુલ્લા છે. નર્મદા ડેમની સપાટી 134 મીટરે સ્થિર છે. જિલ્લાના તમામ તાલુકામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, બગસરામાં સાડા ત્રણ ઇંચ વરસાદ

છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારે પડી રહેલા વરસાદના કારણે મેણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મેણ નદી નસવાડીના ડુંગર વિસ્તારમાંથી પસાર થાય છે. ભારે પાણીની આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો છે. દુગ્ધા ગામ પાસે નદીમાં ચેકડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આહલાદાયક દૃશ્યો સર્જાયા છે.

નસવાડીના જસ્કી ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તણખલાથી ડુંગર વિસ્તારમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને રોડ પર પાણી ફરી વળ્યાં છે. 50થી વધુ ગામને જોડતો રસ્તો બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

સુરતમાં પણ ભારે વરસાદ
સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ફરી એકવાર મેઘરાજાની વીજળીના કડાકા સાથે આગમન થયું છે. ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ ખેંચાતા ગરમીથી લોકો પરેશાન હતા. બીજી તરફ, ગરમીને કારણે ખેતરોમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો હતો. ત્યારે વરસાદ પડતા ખેડૂતો અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ભારે વરસાદને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.