December 26, 2024

24 વર્ષીય ભારતીય ખેલાડીએ અભ્યાસ માટે છોડ્યો દેશ, પેરિસ ઓલિમ્પિકમાં રચ્યો ઇતિહાસ

અર્ચના કામથ: પેરિસ ઓલિમ્પિક 2024માં ભલે ભારતે માત્ર 6 મેડલથી સંતોષ માનવો પડ્યો પરંતુ કેટલાંક એથલીટ એવા પણ હતા જેમણે પોતાના પ્રદર્શનથી સૌનું દિલ જીતી લીધું. તેમાં એક નામ સામેલ છે 24 વર્ષની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ પ્લેયર અર્ચના કામથનું, જેમણે પેરિસ ઓલિમ્પિક્સ ખતમ થયા બાદ હવે એક એવો નિર્ણય લીધો છે જેનાથી તેના ફેન્સને ભારે આશ્ચર્ય થયું છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે પેરિસ ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. જેમાં અર્ચના પણ ટીમનો ભાગ હતી. જર્મની સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં જ્યારે ભારતીય ટીમને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે તે મેચમાં ભારતે માત્ર એક જ મેચ જીતી હતી અને તે અર્ચનાએ જીતી હતી.

કોચ સાથે વાત કરીને અર્ચનાએ લીધો મોટો નિર્ણય
અર્ચના કામથે પેરિસ ઓલિમ્પિક 2024થી દેશ પરત ફર્યા બાદ પોતાના કોચ સાથે તેના ભવિષ્ય વિશે વાત કરી હતી. એક મીડિયા અહેવાલ મુજબ અર્ચનાના કોચ અંશુલ ગર્ગે કહ્યું કે મેં અર્ચનાને કહ્યું કે તે મુશ્કેલ છે. તેને ઘણી મહેનત કરવી પડશે. તે વિશ્વના ટોપ 100ની બહાર છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણો સુધારો થયો છે. પરંતુ મને લાગે છે કે તેણે પહેલેથી જ જવાનું મન બનાવી લીધું હતું. અને એકવાર તેણી પોતાનું મન બનાવી લે છે, તે બદલવું મુશ્કેલ છે. અંશુલે એમ પણ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાપાન, કોરિયા, ચીન અને તાઈવાનના ખેલાડીઓ સામે જીતવું મુશ્કેલ હોઈ શકે છે અને તેમની વાતચીત પછી જ ભારતીય ખેલાડીએ દેશ છોડીને વિદેશમાં અભ્યાસ પૂરો કરવાનો નિર્ણય લીધો.

પેરિસ ઓલિમ્પિકમાં અર્ચનાના સિલેક્શનને લઈને થયો હતો વિવાદ
પેરિસ ઓલિમ્પિક 2024 માટે જ્યારે અર્ચના કામથની પસંદગી કરવામાં આવી હતી, ત્યારે તે સમયે વિવાદ ઊભો થયો હતો. જો કે, તેઓ આ બધી બાબતોથી દૂર રહીને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને શાનદાર પ્રદર્શન પણ કર્યું હતું. અર્ચનાની વિદાયને ચોક્કસપણે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. અર્ચના હવે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માંગે છે.